દિન અને માસના શુભાશુભ જાણવાની વિસરાઈ ગયેલી સચોટ નક્ષત્ર પદ્ધતિ

જ્યોતિષની મૂળ પદ્ધતિ જે ભારતમાં વિકાસ પામી હતી તે નક્ષત્ર આધારિત જ્યોતિષ પદ્ધતિ હતી. રાશિઓનું ચલણ બાદમાં આવ્યું હતું. જ્યોતિષના જૂના ગ્રંથોમાં તથા જ્યોતિષના જાણકાર મૂળ લેખકો નક્ષત્રને ખૂબ મહત્વ આપતા હતા. જન્મ સમયે ચંદ્રનું નક્ષત્ર અને સૂર્યનું નક્ષત્ર આ બંને નક્ષત્રો ખૂબ જ મહત્વના નક્ષત્ર ગણાય છે. નક્ષત્રનો ઉપયોગ તો ભારતીય જ્યોતિષની સૌથી મોટી ખૂબી છે.

જો તમે કોઈ દિવસે મહત્વનું કાર્ય કરવા જઈ રહ્યા હોવ તો તે દિવસની શુભાશુભ ગણતરી કઈ રીતે કરવી? પરંપરાગત જ્યોતિષમાં તો દશા અને અંતરદશાઓ છે જેની અવધિ પ્રમાણમાં ખૂબ લાંબી છે. દિવસપૂરતા શુભ કે અશુભ ગ્રહો કઈ રીતે જાણવા તે દરેક માટે એક પ્રશ્ન છે.દશા અને અંતરદશાઓ પ્રમાણમાં મોટી અસરો અને જીવનની દિશા મોટા પ્રમાણમાં બદલે છે, અર્થાત દશાઓની અસર લગભગ દરેક ક્ષેત્રને આવરી લે છે, પણ મનુષ્યનો રોજીંદો વ્યવહાર અને તેમાં ઉતાર ચઢાવ થાય છે તેનું માપ કે પ્રમાણ દશાઓની મદદથી કાઢવું લગભગ કલિષ્ટ કાર્ય જ છે.

રોજબરોજની ઘટનાઓ જેમ કે કોઈ મુલાકાતનો સમય, તબિયત બગડવી, યાત્રા કરવી, નાણાકીય વ્યવહાર વગેરે બાબતો ક્યારે શુભ અને ક્યારે અશુભ રહેશે, તેનું માપ ચંદ્ર અને સૂર્યના ભ્રમણ પરથી કાઢી શકાય છે. તમે અનુભવ કરશો તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છતાં સચોટ પરિણામ આપનારી છે.

તમારા જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર નોંધી લો,જન્મ સમયનું ચંદ્રનક્ષત્રએ તમારા દૈનિક કાર્યોનું સંદર્ભ બિંદુ છે. બધું શુભાશુભ આ બિંદુને આધારે જ ચાલે છે. બધા ગ્રહોના શુભાશુભ પરિણામો પણ આ બિંદુને આધારે જ નક્કી થશે. જાણીને નવાઈ લાગશે પણ મનુષ્યના આખા જીવન પર પ્રભાવ કરનારી દશાઓ આ બિંદુના આધારે જ ચાલે છે. માટે આજન્મ સમયનું ચંદ્રનક્ષત્ર તમે જાણો એ ખૂબ જ મહત્વનું રહેશે.

જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર છે તેનાથી ગણતા ત્રીજું, પાંચમું અને સાતમું નક્ષત્ર અનુક્રમે પ્રતિકુળ, કષ્ટકારી અને અતિપ્રતિકુળ કહીશું. જ્યોતિષમાંજેને વિપત, પ્રત્યરી અને વધ તારા કહેવાય છે. નવ-નવ નક્ષત્રોના જૂથ બનાવીએ તો ૨૭ નક્ષત્રોમાં ત્રણ જૂથ બનશે. નવ-નવ તારાઓના અનુક્રમે ગુણ સરખા રહેશે. માટે જન્મ સમયનાચંદ્રનક્ષત્રથી ગણતા ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો કહેવાશે. બસ, આટલી ગણતરીથી જ તમારા શુભાશુભ ગ્રહોની ગણતરી કરી શકાશે. છે ને બિલકુલ સરળ!આ કોષ્ટકના ઉપયોગ માટે તમારે ગોચરના સૂર્ય અને ચંદ્રના જે તે દિવસના નક્ષત્ર જોવાના છે, ગોચરનો સૂર્ય જો ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપર ભ્રમણ કરતો હોય તો તે સમય કષ્ટકારી હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અશુભ જાણવો. તે દિવસે કોઈ નવું કાર્ય કે મોટો નિર્ણય લેવાથી બચવું, યાત્રા પ્રારંભ ના કરવી.

બરાબર આજ ગણતરી મુજબ ૨,૪,૮,૯-માં નક્ષત્ર અનુક્રમે લાભ, સુખ, મિત્ર અને વધુ લાભ દર્શાવે છે. તે મુજબ આગળ ગણતા, ૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર એટલે અનેક લાભ.ગોચરનો સૂર્ય જો૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તો તે સમય ખુબ શુભ હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અતિશુભ જાણવો.વર્ષનું શુભાશુભ જાણવા ગુરુનું ગોચર જોવું, શનિ જે વર્ષે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો પરથી પસાર થાય તે જ વર્ષે સૂર્ય જયારે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપરથી પસાર થાય તે સમય અતિકષ્ટકારી વીતે છે. ગુરુ જે વર્ષે૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તે જા વર્ષે ગોચરનો સૂર્ય પણ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય, તે મહિનાઓ દરમ્યાન અચૂક લાભ થાય છે જ. આ પદ્ધતિમાં ગુરુ અતિશુભ અને શનિ અતિઅશુભ ગણાય છે, જન્મલગ્નની ગણતરી વગર, જન્મકુંડળી વગર પણ આ પદ્ધતિમાં સચોટફળાદેશથાય છે, તે ઘણું આશ્ચર્ય સાથે અહોભાવ ઉપજાવે છે.