લોકસભા ચૂંટણીઃ સાત તબક્કામાં મતદાન, ચોથી જૂને પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચની ટીમે લોકસભાની ચૂંટણીની તારીખોની સાથે-સાથે કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ માટે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે અમારું એ વચન છે કે અમે રાષ્ટ્રીય ચૂંટણી એ પ્રકારે કરાવીશું કે જેનાથી વિશ્વ મંચ પર ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય. ભારતની ચૂંટણી પર વિશ્વની નજર છે.  દરેક ચૂંટણી એ બંધારણ તરફથી સોંપવામાં આવેલી એક પવિત્ર જવાબદારી છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે પ્રતિબદ્ધ છે. ચૂંટણીની તારીખોની સાથે જ દેશઆખામાં આચારસંહિતા લાગુ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે 26 વિધાનસભાઓની પેટા ચૂંટણી પણ સાથે યોજવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે બિહાર, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, ઓડિસા, સિક્કિમમાં બીજી જૂને વિધાનસભાની ચૂંટણી યોજાશે.  આ ચૂંટણીનું ચોથી જૂને પરિણામ જાહેર થશે. રાજ્યોનાં પરિણામો પણ ચોથી જૂને જાહેર થશે.

દેશમાં 29 વર્ષ સુધી 21.5 કરોડ મતદારો છે. 1.82 કરોડ મતદાતા સૌપ્રથમ વાર મતદાન કરશે. આ બધા લોકો તેમનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરશે. દેશમાં 97 કરોડ મતદાતાઓ છે. આ કેટલાંક દ્વીપોની કુલ સંખ્યાથી પણ વધુ છે. એમાં 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે. દેશમાં 48,000 ટ્રાંસજેન્ડર, 85 વર્ષના વધુ વયના 82 લાખ લોકો છે અને 2.18 લાખ લોકો 100થી વધુ વયના મતદાતાઓ છે.

તેમણે કહ્યું હતું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. તેમણે લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં કહ્યું હતું કે ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા દળ તહેનાત થશે. 55 લાખ EVM અને 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્ર હશે.

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે
પહેલો તબક્કો 102 સીટો  19 એપ્રિલ, 2024
બીજો તબક્કો  89 સીટો 26 એપ્રિલ, 2024
ત્રીજો તબક્કો 94 સીટો  સાત મે, 2024
ચોથો તબક્કો  96 સીટો 13 મે, 2024
પાંચમો તબક્કો  49 સીટો  20 મે, 2024
છઠ્ઠો તબક્કો  57 સીટો 25 મે, 2024
સાતમો તબક્કો  57 સીટો 1 જૂન, 2024

તેમણે કહ્યું હતું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024એ પૂરો થશે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાનો કાર્યકાળ પણ જૂન, 2024માં પૂરો થવાનો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થવાની છે.