નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ તબક્કામાં છ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 સીટો પર મતદાન થઈ રહ્યું છે. અનેક જગ્યાએથી ખરાબ EVMની ફરિયાદ થતાં મતદારો પરત ફર્યા હતા. બંગાળમાં ટેન્શન પ્રવર્તી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં મિદનાપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવારના કાફલાને અટકાવવાને કારણે ભારે બબાલ થઈ હતી. એક તરફ આગ લાગવાના બનાવો તો બીજી બાજુ દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પહેલાં એક TMC કાર્યકર્તાની હત્યાને લઈને ટેન્શન વધી ગયો હતો.મિદનાપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યો હતો કે ભાજપના પોલિંગ એજન્ટોને મતદાન કેન્દ્રોમાં અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવતી.
લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે 11 કલાક સુધી બિહારમાં 36.48 ટકા, દિલ્હીમાં 34.37 ટકા, હરિયાણામાં 36.48 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 35.22 ટકા ઝારખંડમાં 42.54 ટકા ઓડિશામાં 35.69 ટકા ઉત્તર પ્રદેશમાં 37.23 ટકા અને પશ્ચિમ બંગાળમાં 54.80 ટકા મતદાન થયું છે.રાંચીના એક પોલિંગ બૂથ પર ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેનન્દ્ર સિંહે પણ મતદાન કર્યું હતું. તેમના પરિવારની સાથે તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પહેલાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ મતદાન કર્યું હતું.
સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું. પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 428 સીટો પર મતદાન થયું છે.