નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર જારી છે. વડા પ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય મંત્રી અને વિરોધી પક્ષોના સ્ટારપ્રચાર દિવસરાત જીત મેળવવા માટે ચૂંટણીમેદાનમાં છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થવાનું છે. 13 રાજ્યોની 89 સીટો પર 26 એપ્રિલે થશે. એ દરમ્યાન 1198 ઉમેદવારોના કિસ્મત દાવ પર છે, જેમાંથી 1192 ઉમેદવારોએ સોગંદનામા ભર્યા છે. બીજા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે.
બીજા તબક્કામાં કુલ ઉમેદવારોમાંથી 250 ઉમેદવારોએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે. બીજા તબક્કામાં 14 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઇત કેસો ચાલી રહ્યા છે. એ ઉમેદવારોની સંખ્યા 167 છે.
કેરળના ત્રણ ઉમેદવારો ગંભીર ગુનાઇત કેસો નોંધાયેલા છે, જેમાં એક ઉમેદવાર વાયનાડથી છે, જેનું નામ સુરેન્દ્રમ છે. તેમના પર 243 ગુનાઇત કેસો નોંધાયેલા છે, એમાથી 139 ગંભીર છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. બીજા ઉમેદવારનું નામ છે ડો. કે. એસ. રાધાકૃષ્ણન. તેમણે ભાજપમાંથી ઉમેદવારી એર્નાકુલમથી કરી છે. તેમની પર 211 ક્રિમિનલ કેસ છે, એમાં પાંચ ગંભીર ક્રિમિનલ કેસ છે, જ્યારે ત્રીજા ઉમેદવારનું નામ છે- એડવોકેટ ડીન કુરિયાકોસે છે. તેમણે કેરળના ઇદુક્કી વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની પર 88 ગુનાઇત કેસ છે, તેમાંથી 23 ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. બીજા તબક્કામાં CPIએ સૌથી વધુ ક્રિમિનલ કેસવાળા ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે.પાર્ટીના પાંચમાંથી ત્રણ ઉમેદવારો ગુનાઇત કેસવાળા છે. એ જ રીતે SPના ચારમાંથી બે ઉમેદવારો પર ગુનાઇત કેસવાળા છે. ત્રીજા ક્રમે CPIMના 18માંથી સાત ઉમેદવારો ગુનાઇત કેસવાળા ઉમેદવારો છે, એમ અહેવાલ કહે છે.