લોકડાઉન પૃથ્વીને ફળ્યું : ધરાના કંપનમાં ઘટાડો થયો : ભૂસ્તરશાસ્ત્રીઓ

બ્રસેલ (બેલ્જિયમ): વિશ્વભરમાં કોરોના વાઇરસના પ્રકોપને કારણે સામાન્ય લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે જાહેર વાહનવ્યવહાર થંભી ગયો છે અને વેપાર-ધંધા પણ હાલ બંધ જેવા છે ત્યારે રસ્તાઓ પર લાખ્ખો-કરોડોની સંખ્યામાં લોકો ફરતા હતા. જોકે હાલના સમયે કેટલાક લોકો જ રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે વૈશ્વિક સ્તરે વિશ્વ શાંત થઈ ગયું છે. જેની પુષ્ટિ કેટલાક ભૂગર્ભ વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે.

પૃથ્વીના ઉપરનમાં પડમાં કંપનમાં ઘટાડો

બેલ્જિયમમાં રોયલ ઓબ્ઝર્વેટરીના ભૂસ્તર વિજ્ઞાની થોમસ લેકોકે બ્રસેલ્સમાં કહ્યું હતું કે કોરોના વાઇરસને રોકવા માટેના ઉપાયોને કારણે પૃથ્વીના ઉપરી પડમાં કંપનનો સ્તર ભારે માત્રામાં ઓછો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે આ કંપન કાર, બસ, ટ્રક, ટ્રેન અને કારખાનાંઓ ચાલવાને લીધે પેદા થાય છે.

કંપનમાં 30થી 50 ટકાનો ઘટાડો

માત્ર બ્રસેલ્સમાં જ માર્ચમાં ધરતીના કંપનમાં 30 ટકાથી 50 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આનું કારણ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સામાન્ય લોકોનાં કામકાજ અટકાવી દેવામાં આવ્યાં અને સામાજિક અંતર બનાવવામાં આવ્યું હતું, એમ થોમસ લેકોકે કહ્યું હતું.

નાનામાં નાની ભૂર્ગભીય હલચલને સાંભળી રહ્યા છે વિજ્ઞાનીઓ

લોકડાઉનને લીધે ઓછા ઘોંઘાટને કારણે ભૂકંપ વિજ્ઞાનીઓને નાનામાં નાની ભૂગર્ભીય હલચલ પણ માલૂમ પડે છે. ધરતીનું આ કંપન સામાન્ય સમયમાં ઉપરના પડમાં માનવ નિર્મિત કંપનને કારણે રેકોર્ડમાં નથી આવતી. એટલા માટે ભૂકંપ માપન કેન્દ્ર હંમેશાં શહેરોથી બહાર સ્થાપિત કરવામાં આવે છે, કેમ કે માનવીય ઘોંઘાટને કારણે એ કંપનોને સાંભળવી સરળ નથી હોતી, એમ લેકોકે કહ્યું હતું.

તેમણે એ પણ જણાવ્યું હતું કે ભૂકંપ વિજ્ઞાની (સિસ્મોલોજિસ્ટ) ધરતીનાં કંપનોને માલૂમ કરવા માટે બોરહોલ સ્ટેશન (જમીનની અંદર બનેલા કેન્દ્ર)નો ઉપયોગ કરે છે, પણ વર્તમાનમાં શહેરમાં લોકડાઉનને પગલે છવાયેલી શાંતિને કારણે એને બહારથી પણ એટલી જ સારી રીતે સાંભળી શકાય છે, જેટલી નીચેથી સાંભળી શકાય છે.

લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરી રહ્યા છે

ધરતીના ઉપરના પડમાં કંપનમાં આલે ઘટાડો એ બતાવે છે કે વિશ્વભરમાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે.  આ સાથે લોકો એકમેકથી સામાજિક અંતર પણ રાખી રહ્યા છે, એમ લેકોકે કહ્યું હતું.