સાયબર ક્ષેત્રમાં પણ કોવિડ-19એ મચાવ્યો આતંક!

નવી દિલ્હી: છેલ્લા થોડા સમયથી હેકર્સોએ અનેક બોગસ એપ બનાવી છે. સાયબર હુમલાખોરો કોવિડ-19ને હથિયાર બનાવી લોકોના ડેટા પર અટેક કરી રહ્યા છે. હવે સાયબર નિષ્ણાતોએ એક નવા માલવેયરને ઓળખી કાઢ્યો છે, જેની મારફતે યુઝર્સના ડેટા ચોરીને તેને ઉડાવી (ડિલિટ) કરી દેવામાં આવે છે. આ માલવેયર માસ્ટર બૂટ રેકોર્ડને ઓવરરાઈટ કરે છે જેથી સિસ્ટમ સામાન્ય રીતે ફરી શરુ થઈ શકતી નથી.

ઝેડનેટના રિપોર્ટ અનુસાર સિક્યોરિટી શોધકર્તાઓએ આ પ્રકારના 5 માલવેયર અંગે જાણકારી મેળવી છે, જે વિન્ડોઝ કોમ્પ્યુટરને પ્રભાવિત કરે છે. આ માલવેયર અનેક યુઝર્સને તેમનો શિકાર બનાવી ચૂકયા છે, તો કેટલાક માલવેયર્સને માત્ર ટેસ્ટીંગ માટે બનાવવામાં આવ્યા છે.

આમાંથી 4 ખતરનાક એપ છે જે કોરોના વાઈરસની થીમની સમાંતર કામ કરી રહ્યી છે. આ એપનું કામ આર્થિક ફાયદો મેળવવા કરતા વધારે માહિતીને ખતમ કરવાનું છે. ગયા મહિને આઈબી શોધકર્તાઓએ 4 માલવેર નમૂનાઓની જાણકારી મેળવી જેમાંથી બે સૌથી એડવાન્સ્ડ છે જે માસ્ટર બૂટ રેકોર્ડને રિરાઈટ કરી રહ્યા છે.

પ્રથમ માલવેયરની શોધ MalwareHunter ટીમે લગાવી અને આ સપ્તાહે આવેલ SonicWall ના રિપોર્ટમાં આ માલવેયર અંગે જાણકારી આપવામાં આવી. આ માલવેયર COVID-19.exe તરીકે બે સ્ટેજમાં ફેલાવવામાં આવે છે.

પ્રથમ સ્ટેજમાં આ કોમ્પ્યુટર વાઈરસ એક અજીબ સી વિન્ડો ખોલી નાખે છે જેને યુઝર્સ બંધ નથી કરી શકતા. આ સાથે જ માલવેયર એમબીઆરને નુકસાન પહોંચાડીને કોમ્પ્યુટરને રિબૂટ કરી દે છે. જોકે, અહીં એક સારી બાબત એ છે કે, આ સ્થિતિમાં મશીન અને ડેટાને રિસ્ટોર એક્સેસ કરી શકાય છે. એમબીઆરને રિલોડ કરવા માટે એક સ્પેશિયલ સોફ્ટવેરની જરૂર પડશે.

કોરોના વાઈરસનો બીજો માલવેયર પણ એમબીઆરને રિરાઈટ કરી દે છે પણ આ થોડો વધારે ગૂચવળભર્યો છે.  પ્રથમ નજરે જોતા આ એક રેનસમવેયર છે જેનું નામ CORONAVIRUS છે પણ આ માત્ર દેખાવ છે. આ માલવેયરનો મુખ્ય હેતુ પાસવર્ડ ચોરી કરવાનો છે. જેટલી ઝડપે આ માલવેયર યુઝરના ડેટા ચોરે છે એટલી જ ઝડપે એમબીઆરને ઓવર રાઈટ કરીને યુઝરની સિસ્ટમને બ્લોક કરી દે છે. આમ થવાથી યુઝર તેમના પીસીનો એક્સેસ ગુમાવી બેસે છે. આ સ્ટેજ પર યુઝરને એક રેનસમ મેસેજ અને જાણકારી મળે છે કે, તેમનો ડેટા ઈનક્રિપ્ટેડ છે. આ સ્થિતિમાં તમને ખબર પણ નહીં પડે કે તમારો પાસવર્ડ ચોરી થઈ ગયો છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ માલવેયરમાં એક કોડ રહેલો હોય છે, જે યુઝરના કોમ્પ્યુટરમાંથી ફાઈલ ડિલિટ કરી નાંખે છે. ટુંકમાં સાયબર સિક્યોરિટી મામલે પણ હવે કોરોના વાઈરસે આતંક મચાવી દીધો છે. ઈમેલ સ્પામર્સ પણ  કોવિડ-19નો ઉપયોગ કરી રહ્યો છે જેથી લોકોને મેલ દ્વારા એટેચમેન્ટ ડાઉનલોડ કરવા માટે લલચાવવામાં આવે છે. અનેક ફ્રોડસ્ટર્સે હજારો બોગસ વેબસાઈટો બનાવી લીધી છે, જેના ડોમેનમાં કોરોના કે કોવિડ-19નો ઉલ્લેખ છે. એવી એપ્લિકેશન અને પ્રોગ્રામ પણ બનાવવામાં આવ્યા છે જે કોમ્પ્યુટર અને સ્માર્ટફોન પર અટેક કરી રહ્યા છે. એટલા માટે જરૂરી છે કે, તમે તમારી ડિવાઈસની સુરક્ષા પર પૂરતુ ધ્યાન આપો અને કોઈપણ લિન્કને તપાસ કર્યા વગર ઓપન ન કરો.