નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને લઈને મોદી સરકારની તીખી આલોચના કરી છે. રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લોકડાઉનના ચારેચાર તબક્કા નિષ્ફળ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં 21 દિવસ લોકડાઉન કર્યું હતું, પણ એનો કોઈ ખાસ લાભ નથી થયો. વડા પ્રધાન મોદીએ તેમની આગળની વ્યૂહરચના જણાવવી જોઈએ.
દેશને તેમની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ
રાહુલે કહ્યું કે જે થવું જોઈતું હતું, એ નથી થયું. દેશને સરકારની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ. લોકડાઉનને લાગુ થયે 60 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પણ આ રોગચાળો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધતો જાય છે. પ્રવાસી મજૂરો પરેશાન છે. સરકાર તેમની મુશ્કેલીઓ અને મુસીબતોને કેવી રીતે દૂર કરશે?
સરકારે લોકોને રોકડ આપવી જોઈએઃ રાહુલ
મોદી સરકાર કોરોનાને અંકુશમાં રાખવા માટે શું વિપક્ષને ગંભીરતાથી નથી લેતી? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમારું કામ સરકાર પર દબાણ કરવાનું છે. મેં ફેબ્રુઆરીમાં જ કહી દીધું હતું કે હાલત વધુ ખતરનાક થશે.’ રોજગારને લઈને રાહુલે કહ્યું છે કે સરકારે આર્થિક મોરચે બહુ કામ કરવાની જરૂર છે. સરકારે લોકોને રોકડ રકમ આપવી જોઈએ. સરકારે ગરીબોના ખાતામાં દર મહિને 7500 રૂપિયા કેશ ટ્રાન્સફર કરવા જોઈએ.
રાજ્યોની મદદ કરે કેન્દ્ર
તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ રાજ્યોની પાછળ કેન્દ્ર સરકાર ઊભી નહીં રહે તો તેઓ કોરોનાથી લડી નહીં શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે વેપાર-ધંધા બંધ છે, ત્યારે કેટલાય નાના-મધ્યમ ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે. નાના ઉદ્યોગોને પૈસા આપવાની માગ કરી રહ્યા છે. વેપાર-ધંધા બંધ હોવાથી બેરોજગારી વધવાનો ભય છે.
આ રાજકારણ નહીં, બલકે મારી ચિંતા
રાહુલ ગાંધીએ ક્હ્યું હતું કે પેકેજ વિશે કેટલીય પત્રકાર પરિષદ થઈ. અમને બહુ આશા હતી. વડા પ્રધાને કહ્યું હતું કે એ જીડીપીના 10 ટકા હશે. વાસ્તવમાં એ જીડીપીના એક ટકાથી પણ ઓછું છે અને એમાં મોટા ભાગે લોક છે, રોકડ નથી. તેમણે કહ્યું કે મજૂર ભાઈ-બહેનો, MSMEsની કેવી રીતે કરશો? આ રાજકારણ નથી, બલકે મારી ચિંતા છે, આ બીમારી સતત વધી રહી છે, એટલે હું સવાલ પૂછી રહ્યો છું.