LG વિરુદ્ધ દિલ્હી સરકારઃ કેજરીવાલ સરકારની કોર્ટમાં ‘સુપ્રીમ’ જીત

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપ રાજ્યપાલને મામલે અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ મામલે અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ પર દિલ્હી સરકારનો અધિકાર છે. CJI ડી. વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બંધારણીય બન્ચે કહ્યું હતું કે આ મામલો માત્ર સર્વિસિસ પર નિયંત્રણનો છે. અમે જસ્ટિસ ભૂષણના 2019ના ચુકાદાથી સહમત નથી. આ નિર્ણય બહુમતનો છે- બધા જજોની સહમતીથી છે. જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે સેવાઓ પર માત્ર કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર છે, પરંતુ દિલ્હી સરકારની શક્તિઓ સીમિત કરવા માટે કેન્દ્રની દલીલોથી નીપટવું આવશ્યક છે. આર્ટિકલ 239AA વ્યાપક સુરક્ષા આપે છે. સંસદની પાસે ત્રીજી અનુસૂચિમાં કોઈ પણ વિષય પર કાયદો બનાવવાની પૂર્ણ શક્તિ છે. જો કેન્દ્ર અને રાજ્યના કાયદાની વચ્ચે ઘર્ષણ થાય છે તો કેન્દ્રીય કાયદો મજબૂત થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતાની ઇચ્છાનું પ્રતિબિંબ છે. દિલ્હી એક પૂર્ણ રાજ્ય નથી, પણ વિધાનસભાની સૂચિ બે અને ત્રણ હેઠળના વિષયો પર અધિકાર આપવામાં આવ્યા છે. લોકતાંત્રિક પ્રકારે ચૂંટાયેલી સરકાર દિલ્હીની જનતા પ્રતિ જવાબદેહ છે. ચૂંટાયેલી સરકાર પાસે લોકોની ઇચ્છા લાગુ કરવાની શક્તિ હોવી જોઈએ. સંઘવાદના સિદ્ધાંતનું સન્માન થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી વિવાદના કેટલાય મુદ્દાઓ પર ચુકાદો આપ્યો હતો, પણ સર્વિસિસ એટલે કે અધિકારીઓ પર નિયંત્રણ જેવા કેટલાક મુદ્દાઓને આગળની સુનાવણી માટે છોડી મૂક્યા હતા.