નવી દિલ્હીઃ દિવાળીએ કેન્દ્ર અને કેટલીય રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ટેક્સ ઘટાડો કરીને સામાન્ય જનતાને રાહત આપી હતી, પણ રાંધણ ગેસના સિલિન્ડર હજી પણ મોંઘાં છે. જોકે એક વિશેષ વિસ્તારમાં આશરે 42 ટકા લોકોએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે અને તેઓ ફરીથી લાકડાંથી રસોઈનું બનાવવા લાગ્યા છે, એવું એક સર્વેમાં માલૂમ પડ્યું છે. જોકે મોદી સરકારનો દાવો છે કે ઉજ્જવલા યોજના હેઠળ લોકોને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા પછી ગામડાંમાં લોકોની જિંદગી બદલાઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળના ઝારગ્રામ અને વેસ્ટ મિદનાપુરના આશરે 100 અંતરિયાળ ગામડાંઓમાં 42 ટકા લોકોએ ગેસ સિલિન્ડરને બાજુમાં મૂકી દીધું અને દૈનિક ધોરણે લાકડાં બાળીને રસોઈ કરવાનું શરૂ કર્યું છે. રોગચાળા દરમ્યાન તેઓ ગેસ સિલિન્ડરનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી.
ઝારગ્રામ અને વેસ્ટ મિદનાપોરના 13 બ્લોકમાં 100 ગામડાં 560 ઘરોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં માલૂમ પડ્યું હતું કે લોકો ઝડપથી ગેસ સિલિન્ડરનો વપરાશ છોડીને લાકડાં બાળીને રસોઈ બનાવવાનું શરૂ કરી રહ્યા છે. આ સર્વેમાં લોકોએ મોંઘવારીને મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો હતો.
આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે રાંધણ ગેસનો ઉપયોગ ઘટાડવાનાં ત્રણ મહત્ત્વનાં કારણ છે. પહેલું કારણ ગેસની વધતી કિંમતો, બીજું ઉપલબ્ધતા અને ત્રીજું કારણ કોરોના રોગચાળાને કારણે લાગેલા લોકડાઉનથી લોકોની આવકમાં ઘટાડો. આ લોકો ગેસનો ખર્ચ નહીં કરી શકવાને કારણે ફરી એક વાર જંગલનાં લાકડાં પર નિર્ભર થઈ રહ્યા છે.
