લખીમપુર-ખીરી (ઉત્તર પ્રદેશ): ગઈ કાલે અહીં ઓછામાં ઓછા આઠ જણનો ભોગ લેનાર હિંસાના બનાવોના સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા અને એમના પુત્ર આશિષ સામે FIR ફરિયાદ નોંધી છે.
ગઈ કાલની હિંસામાં અજય મિશ્રા અને એમના પુત્રની કથિત સંડોવણી બદલ એમની સામે FIR નોંધવાની બિન-રાજકીય કિસાન સંગઠન ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈત અને સંયુક્ત કિસાન મોરચા સહિત અનેક ખેડૂત નેતાઓએ માગણી કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાને ચોક્કસ કમેન્ટ કરતા વિડિયો સોશિયલ મિડિયા પર જોવા મળ્યા બાદ એમની ધરપકડ કરવાની રાકેશ ટિકૈતે માગણી કરી છે. હિંસાની ઘટના બની ત્યારે પોતે કે એમનો પુત્ર ઘટનાસ્થળે હાજર નહોતા એવું મિશ્રાએ કહ્યું છે.
ગઈ કાલે ખેડૂતો લખીમપુર-ખીરીમાં ઉત્તર પ્રદેશ સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોના એક જૂથે એમની પર ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. કેટલાક ખેડૂતોને એક કાર નીચે કચડી પણ નાખવામાં આવ્યા હતા અને એમને હડફેટમાં લેવામાં આવ્યા હતા. એને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ બે વાહનને આગ લગાડી હતી.