નવી દિલ્હી: ચીન સાથે સરહદીય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેહની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની આ મુલાકાત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને લડાખમાં ચીનની ઘૂસણખોરી મામલે ચીન સામે પગલા લેવા વિનંતી કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભક્ત લડાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના અવાજની અવગણના ન કરવી જોઈએ, સરકારે તેમની વાત સાંભળવી જોઈએ. સરકાર જો લડાખના સ્થાનિક લોકોનું નહીં સાંભળે તો દેશને આની ભારે કિંમત ચૂકવવી પડશે.
રાહુલ ગાંધીએ એક મીડિયા અહેવાલને ટાંકીને પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કર્યું કે, લડાખવાસીઓ ચીનની ઘૂસણખોરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે. તેમની ઉપેક્ષા કરવી ભારતને ભારે પડી શકે છે. દેશે આની ભારે કિંમત ચૂકવવી પડશે.
કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે,મહેરબાની કરીને ભારતના હિત માટે તેમનો અવાજ સાંભળો. રાહુલ ગાંધીએ જે અહેવાલને ટાંક્યો છે તેમાં લડાખના સ્થાનિક લોકો ભારતના વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ઘૂસણખોરી કરી હોવાની વાત કહી રહ્યા છે.