કોરોના સામે લડવાનું ‘ગોલ્ડન કવચ’!!

મુંબઇઃ તુંડે તુંડે મર્તિભિન્ના…એક વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચીને સોનાનો માસ્ક પોતાના માટે બનાવડાવ્યો છે. આવામાં સવાલ એ ઊભો થાય કે શું આવા મોંઘા માસ્ક પહેરવાથી કોરોના વાઇરસના સંક્રમણ લાગવાનું જોખમ ઓછું થઈ જાય? શું આને પહેર્યા પછી શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી તો નહીં થાય, વગેરે…વગેરે.

આવા અનોખા ગોલ્ડ માસ્ક ને મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક શખસે બનાવડાવ્યો છે અને એની કિંમત પણ આશરે ત્રણ લાખ રૂપિયા છે. આ છે પુણે જિલ્લાના પિપંરી-ચિંચવડના નિવાસી શંકર કુરાડ- જેણે પોતાના માટે સોનાનો માસ્ક બનાવડાવ્યો છે, જેની કિંમત 2.89 લાખ રૂપિયા છે.

ગોલ્ડ માસ્કમેન શંકર કરાડ

શંકર કુરાડે જણાવ્યું હતું કે આ એક પાતળો માસ્ક છે અને આમાં બારીક છિદ્રો છે, જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થતી, પણ મને વિશ્વાસ નથી કે આ કોવિડ-19 વાઇરસના સંક્રમણને રોકવામાં સક્ષમ છે કે નથી. ગોલ્ડ માસ્કમેન શંકર કુરાડે કહ્યું હતું કે તેણે ટીવી પર એક શખસને ચાંદીનો માસ્ક પહેરેલો જોયો હતો. ત્યાર બાદ તેને પણ સોનાનો માસ્ક બનાવડાવવાનો વિચાર આવ્યો .આ ગોલ્ડ માસ્કની કિંમત 2.90 લાખ રૂપિયા છે અને એને બનાવવામાં સાડા પાંચ તોલા સોનાનો વપરાશ થયો છે.

શંકર કુરાડને સોનાનાં આભૂષણો પહેરવાનો બહુ શોખ છે, તે સોનાનાં અનેક આભૂષણો પહેરે છે.