નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસી નેતા સલમાન ખુરશીદે લખેલા પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા નેશનહૂડ ઇન અવર ટાઇમ્સ’માં હિન્દુત્વ વિશેની ટિપ્પણીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમના પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીઓની તીખી આલોચના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કરી છે. આ ઉપરાંત દિલ્હીના બે વકીલોએ ખુરશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.આઝાદે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે અમે હિન્દુત્વની સાથે એક રાજકીય વિચારધારા સાથે ભલે સહમત ના હોઈએ, પણ ISIS અને જેહાદી બોકો હરામ સાથે એની તુલના કરવી એ સદંતર ખોટું છે અને અતિશયોક્તિ ભરેલું છે, એમ આઝાદે ખુરશીદના પુસ્તકનો ઉલ્લેખ કરતાં ટ્વીટ પણ કર્યું હતું. ખુરશીદે પુસ્તકમાં લખ્યું છે, કે સનાતન અને શાસ્ત્રીય હિન્દુ ધર્મના સંતો અને ઋષિઓ માટે જાણીતો છે, જેને હાલનું હિન્દુત્વ કિનારે કરી રહ્યું છે અને એના તમામ રાજકીય સ્વરૂપ ISIS અને બોકો હરામ જેવાં ઇસ્લામી સંગઠનો જેવાં છે.
વકીલ વિવેક ગર્ગે તેમની ફરિયાદમાં કહ્યું છે કે આ કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, કેમ કે એ હિન્દુઓની સાથે હિન્દુઓની સાથે આર્ટિફિશિયલ (કૃત્રિમ) સમાનતા બનાવીને ISISના કટ્ટરપંથી તત્ત્વોને કાયદેસર બનાવવાના પ્રયાસ કરે છે. તેમના પુસ્તકમાં છપાયેલું તેમનું નિવેદન સ્વયં સ્પષ્ટ છે. તેમના પુસ્તકની ભાષા, ઇરાદો, દેશદ્રોહ, ભારતની સામે યુદ્ધ કરવાના પ્રયાસ, હિન્દુ-મુસલમાનોની વચ્ચે વૈમનસ્યને વધારવાનો ખુલ્લો મામલો છે, એમ ગર્ગની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.