ભાજપે પાંચ રાજ્યોના ચૂંટણીપ્રચારમાં રૂ. 252 કરોડ ખર્ચ કર્યા

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે માર્ચમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણીપ્રચાર માટે રૂ. 252 કરોડનો ખર્ચ કર્યો હતો. આ કુલ રકમમાંથી પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે રૂ. 151 કરોડ ખર્ચ કર્યા હતા. આ રકમનો 60 ટકા હિસ્સો એકલા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર પર ખર્ચ કર્યો હતો. જોકે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રૂ. 154.28 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચને સોંપેલી ચૂંટણી ખર્ચની વિગતો મુજબ ભાજપે આ પાંચ રાજ્યોના ચૂંટણીપ્રચારમાં રૂ. 2,52, 71,753 (252 કરોડ)નો ખર્ચ કર્યો હતો. આ કુલ ખર્ચમાં આસામમાં રૂ. 43.81 કરોડ અને પુડુચેરીમાં રૂ. 4.79 કરોડ, તામિલનાડુમાં રૂ. 22.97 કરોડ અને કેરળમાં રૂ. 29.24 કરોડનો ખર્ચ કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપે લખલૂટ ચૂંટણી ખર્ચ કરવા છતાં મમતા બેનરજીને સત્તામાં આવતા અટકાવી નહોતો શક્યો અને TMC સતત ત્રીજી વાર સરકાર બનાવવામાં સફળ રહી હતી. જોકે ભાજપની રાજ્યમાં વિપક્ષની ભૂમિકા મળી હતી, જ્યારે ડાબેરી પક્ષો અને કોંગ્રેસનાં સૂપડાં સાફ થયાં હતાં.

જોકે આસામમાં ભાજપે ફરીથી સત્તાનાં સૂત્રો હાંસલ કર્યાં હતાં, જ્યારે પુડુચેરીમાં પાર્ટી સૌપ્રથમ વાર ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી હતી. તામિલનાડમાં DMK સત્તા હાંસલ કરવામાં સફળ રહી હતી, જ્યારે કેરળમાં ફરી એક વાર ડાબેરી પાર્ટી LDF સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી.