કેજરીવાલે યોગી આદિત્યનાથ, અમિત શાહ પર સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલે ભાજપ અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર પણ એક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે યોગીજી દિલ્હી આવ્યા હતા અને તેમને મને બહુ ગાળો ભાંડી હતી, પરંતુ તેમનો અસલી દુશ્મન તો ભાજપ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે દાવો કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને શાહ, યોગી આદિત્યનાથને UPના મુખ્ય મંત્રીપદથી દૂર કરવા ઇચ્છે છે. આવામાં તેમણે તેમની સામે અવાજ ઉઠાવવો જોઈએ, ના કે કેજરીવાલને ગાળો આપવી જોઈએ.

અમિત શાહ દિલ્હી આવ્યા હતા અને તેમની જનસભામાં 500થી પણ ઓછા લોકો હાજર હતા. તેમણે દિલ્હી આવીને દેશની જનતાને ગાળો આપવી શરૂ કરી દેતાં કહ્યું હતું કે આપ પાર્ટીના સમર્થક પાકિસ્તાની છે. હું તેમને પૂછવા માગું છું કે દિલ્હીના લોકોએ અમને 62 સીટો આપી છે. દિલ્હીમાં તેમણે અમને 56 ટકા મતો આપીને અમારી સરકાર બનાવી છે. પંજાબના લોકોએ અમને 117 સીટો આપી છે. શું પંજાબ પાકિસ્તાની છે?

ગુજરાત, ગોવા, UP, આસામ, મધ્ય પ્રદેશ અને દેશના કેટલાય હિસ્સામાં લોકોએ અમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે તો શું આ દેશના બધા લોકો પાકિસ્તાની છે?

વડા પ્રધાન મોદીએ અમિત શાહને ઉત્તરાધિકારી  ઘોષિત કર્યા છે. વડા પ્રધાન મોદી શાહને વડા પ્રધાન બનાવશે. તમારી જાણ માટે કહી દઉં કે ચોથી જૂને ભાજપની સરકાર નથી બની રહી, પણ ચોથી જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવી રહી છે અને ભાજપની સરકાર જઈ રહી છે, એવો દાવો તેમણે કર્યો હતો.