નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ રહ્યા છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન I-N-D-I-A એક થઈ ગયું છે, જેમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર AAP દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વળી, પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોનું એલાન પણ કરે એવી શક્યતા છે. આ નવા રાજકીય દાવથી કોંગ્રેસ સહિત I-N-D-I-Aના ગઠબંધન પર વિપરીત અસર પડશે.
દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે વિરોધ પક્ષોએ ગઠબંધન INDIA લોકસભા ચૂંટણી માટે એકમેક સાથે હાથ મિલાવ્યા છે. જોકે આ ગઠબંધનમાં હવે ભંગાણ પડવાની શક્યતા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પક્ષો વચ્ચે ટક્કર પણ થશે.
AAP રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે ગઈ કાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ યાદી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 25 ઓગસ્ટ સુધીમાં ‘આપ’ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે.
@AAPRajasthan प्रदेश में सभी 200 विधानसभा सीटों पर चुनाव लड़ने जा रही है | प्रदेशाध्यक्ष @NaveenPaliwal_ जी 22 अगस्त को माननीय राष्ट्रीय संगठन महामंत्री व राज्यसभा सांसद @SandeepPathak04 जी मुलाकात कर प्रत्याशियों के लिए प्राप्त आवेदनों पर समीक्षा करेंगे । pic.twitter.com/tv4Zsjl8O4
— AAP Rajasthan (@AAPRajasthan) August 18, 2023
કોંગ્રેસ અને AAP 26 પક્ષોના ગઠબંધન ‘I-N-D-I-A’માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલાં બંને પક્ષો વચ્ચે ટક્કરનાં એંધાણ છે.