શ્રીનગરઃ કશ્મીરની ધરતી પર આ વખતની મોસમમાં સફરજનનું બમ્પર ઉત્પાદન થયું છે, પણ તે છતાં આ ફળ ઉગાડનારાઓમાં એટલી બધી ખુશી નથી, કારણ કે એમના સફરજન ગયા વર્ષની સરખામણીમાં 30 ટકા ઓછી કિંમતે વેચવા પડી રહ્યા છે. આ આર્થિક નુકસાનને કારણે સફરજનના ખેડૂતો ટેન્શનમાં આવી ગયા છે અને આ મામલે એમણે સરકાર પાસે મદદ માગી છે. કશ્મીર ખીણ વિસ્તારોના ખેતરોમાં ઉગાડેલા સફરજનના જથ્થાને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરની બહારની બજારોમાં મોકલવામાં ઘણી તકલીફ પડી રહી છે. એશિયાની જે સૌથી મોટી હોલસેલ મંડી (બજાર) ગણાય છે તે આઝાદપુર મંડી સુધી કશ્મીરી સફરજન ભરેલા વાહનોનું ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ ગયું છે. આઝાદપુર ફળ અને શાકભાજી વેપારીઓના મંડળના પ્રમુખ મેથારામ ક્રિપલાનીનું કહેવું છે કે સરકારના ટેકા વગર સફરજનના ખેડૂતો એમને થયેલી આર્થિક ખોટને સહન કરી શકે એમ નથી.
દેશમાં સફરજનનું જે કુલ ઉત્પાદન થાય છે એમાં 75 ટકા હિસ્સો તો કશ્મીરનો હોય છે. કશ્મીરના અર્થતંત્ર માટે સફરજન કરોડરજ્જુ સમાન ગણાય છે. જમ્મુ અને કશ્મીરના જીડીપીમાં સફરજન વેચાણથી થતી આવકનો હિસ્સો આશરે 8.2 ટકા છે.