બેંગલુરુઃ હિજાબ અને હલાલ વિવાદ બાદ હવે કર્ણાટકમાં નવો વિવાદ જાગ્યો છે. જમણેરી ઝોકવાળા અમુક હિન્દીવાદી જૂથોએ ‘કેરી ફતવો’ બહાર પાડ્યો છે અને રાજ્યમાં હિન્દુ લોકોને અપીલ કરી છે કે તેઓ કેરી ઉગાડનાર મુસ્લિમ ખેડૂતો અને તેવી કેરી વેચનાર મુસ્લિમ વેપારીઓનો બહિષ્કાર કરે. હિન્દુ જૂથોનું કહેવું છે કે મુસ્લિમ કેરી ઉગાડનાર ખેડૂતોએ આ વેપારમાં ઈજારાશાહી બનાવી દીધી છે અને તેમાં હિન્દુઓને પ્રવેશવા દેતા નથી. કર્ણાટકમાં, ખાસ કરીને પાટનગર બેંગલુરુમાં કેરીના છૂટક ધંધામાં મુસ્લિમ વેપારીઓનું વર્ચસ્વ છે.
જોકે આ કેરી ફતવાથી રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટીએ અંતર કરી લીધું છે અને કહ્યું છે કે બહિષ્કારના આ પ્રચાર સાથે પક્ષને કે સરકારને કોઈ લેવાદેવા નથી. રાજ્યના ફળોત્પાદન અને બાગવિજ્ઞાન ખાતાના પ્રધાન કે. ગોપાલૈયાએ કહ્યું છે કે એ તો દરેક વ્યક્તિ પર નિર્ભર હોય છે કે એણે કોઈ પણ વ્યક્તિ પાસેથી તે ઈચ્છે ત્યાંથી ફળ ખરીદી શકે છે. સરકારની એમાં કોઈ ભૂમિકા ભજવવાની હોતી નથી.