આ વ્યક્તિને કારણે કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારનું પતન થયું?

બેંગાલુરુ- કર્ણાટકમાં ભાજપની સરકારનું પતન થયું છે. આ ઘટનાને કોંગ્રેસની વિશેષ સક્રિયતા અને ખાસ રણનીતિ માનવામાં આવે છે. આ સફળતા મેળવવા માટે કોંગ્રેસના જે સક્રિય લોકોએ ભૂમિકા ભજવી છે તેમાં ડી.કે. શિવકુમારનું નામ પ્રથમ માનવામાં આવે છે. ડી.કે. શિવકુમાર એજ વ્યક્તિ છે જેણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકમાં આશ્રય આપ્યો હતો.બી.એસ. યેદિયુરપ્પા વિધાનસભામાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા કારણકે કોંગ્રેસના ધારાસભ્યોમાં જોડ-તોડ થઈ શકી નહીં. ભારતીય જનતા પાર્ટીને બહુમતી મેળવવા માટે વધારાના 7 ધારાસભ્યોના સમર્થનની જરુર હતી. જેની સામે કોંગ્રેસ અને JDS દ્વારા પોતાના ધારાસભ્યોને ભાજપને સમર્થન આપતા અટકાવવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ ઘણા પ્રયત્ન કરવા છતાં કોંગ્રેસી ધારાસભ્યોને મળવામાં સફળ થયા નહીં. JDS અને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપની સાથે મળતા અટકાવવામાં ડી.કે. શિવકુમારની મોટી ભૂમિકા માનવામાં આવે છે.

સફળ ન થઈ શકી ભાજપની રણનીતિ

ડી.કે. શિવકુમારે કોંગ્રેસ અને JDSના ધારાસભ્યો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ સફળ થવા દીધી નહતી. કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોને કઈ હોટલમાં રાખવાના છે, તેમને કેવી રીતે લાવવા અને લઈ જવાના છે તે અંગેની સમગ્ર રણનીતિ ડી.કે. શિવકુમારે તૈયાર કરી હતી. પરિણામ એ આવ્યું કે, ભાજપના નેતાઓ બહુમતી માટે જરુરી સંખ્યાબળનું જોડ-તોડ કરી શક્યા નહીં અને યોદિયુરપ્પા સરકારનું પતન થયું.