હચમચી ગયેલા પાકિસ્તાને બીએસએફને વિનંતી કરી, ગોળીબાર બંધ કરો

જમ્મુ – ભારતીય સીમા સુરક્ષા દળે આજે જણાવ્યું છે કે પાકિસ્તાન રેન્જર્સે અમને વિનંતી કરી છે કે અમે આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરવાનું બંધ કરી દઈએ.

પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારના વળતા જવાબમાં સીમા સુરક્ષા દળે સરહદ પર જોરદાર તોપમારો અને ગોળીબાર કરતાં પાકિસ્તાન રેન્જર્સનો એક જવાન માર્યો ગયા બાદ પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી હતી.

સીમા સુરક્ષા દળે 19-સેકંડનું એક થર્મલ-ઈમેજરી ફૂટેજ રિલીઝ કર્યું છે. એમાં કોઈ પણ ઉશ્કેરણી થયા વિના પાકિસ્તાનમાંથી ગોળીબાર કરાયા બાદ સીમા સુરક્ષા દળે એનો જોરદાર વળતો જવાબ આપતાં પાકિસ્તાનની એક ચોકીનો ખુડદો બોલી ગયેલો જોઈ શકાય છે.

ત્યારબાદ પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જમ્મુ ફોર્મેશનને આજે ફોન કર્યો હતો અને ગોળીબાર બંધ કરી દેવાની રીતસર આજીજી કરી હતી. આ જાણકારી બીએસએફના પ્રવક્તાએ આપી છે.

બીએસએફના સિનિયર અધિકારીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પારથી પાકિસ્તાન દળોએ ભારતીય સીમા ચોકીઓ પર બેફામપણે ગોળા ફેંક્યા હતા અને ગોળીબાર કર્યો હતો. સીમા સુરક્ષા દળે એને પગલે ત્રણ દિવસ સુધી પાકિસ્તાનના લોકેશન્સ પર તોપમારો કર્યો હતો. એને લીધે પાકિસ્તાન રેન્જર્સને ભારે નુકસાન થયું હતું. એનો એક જવાન પણ માર્યો ગયો હતો.

આ વર્ષમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર અને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની શરતોનો ભંગ કરીને ગોળીબાર અને બોમ્બમારો કરવાના 700થી વધારે બનાવો બન્યા છે. એમાં ભારતના 18 સુરક્ષા જવાનો શહીદ થયા છે તથા અનેક ઘાયલ થયા છે.

(આ છે, 19-સેકંડનું એક થર્મલ-ઈમેજરી ફૂટેજ)

httpss://twitter.com/ANI/status/998070895196467200