બેંગલુરુઃ શાળા-કોલેજોમાં હિજાબ પહેવા પર રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધને માન્ય રાખનાર કર્ણાટક હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચના ન્યાયાધીશોને મોતની ધમકી આપવાના સંબંધમાં પોલીસે બે જણની ધરપકડ કરી છે. પકડાયેલા બે શખ્સનું નામ છેઃ કોવાઈ રહમતુલ્લા અને એસ. જમાલ મોહમ્મદ ઉસ્માની. રહમતુલ્લાને તામિલનાડુના તિરુનેલવેલીમાંથી અને ઉસ્માનીને થાંજાવુરમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસે જજોને મોતની ધમકી આપવાના કેસમાં અનેક વ્યક્તિઓના નામ નોંધ્યા છે.ત્રણ જજ છે – ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થી, ન્યાયમૂર્તિ ક્રિષ્ના દીક્ષિત, અને મહિલા ન્યાયમૂર્તિ ખાઝી એમ. જૈબુન્નિસા.
રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ કહ્યું છે કે અમારી સરકારે હિજાબ વિવાદમાં ચુકાદો આપનાર તમામ ત્રણ જજને ‘Y’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. અમે રાજ્યના પોલીસ વડા તથા ઈન્સ્પેક્ટર જનરલને આદેશ આપ્યો છે કે ન્યાયાધીશોની હત્યા કરવાની ધમકી આપનાર વ્યક્તિઓ વિશે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે.