બેંગલુરુઃ હિન્દી હવે રાષ્ટ્રભાષા રહી નથી એવા કન્નડ ફિલ્મોના અભિનેતા કિચ્ચા સુદીપે કરેલા નિવેદન બાદ બોલીવુડ અભિનેતા અજય દેવગને તેની ટીકા કર્યા બાદ આ મુદ્દે વિવાદ જાગ્યો છે. આમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ પણ જોડાયા છે. એમણે સુદીપનો પક્ષ લીધો છે.
બોમ્માઈએ કહ્યું છે કે, આપણા દેશમાં રાજ્યોની રચના ભાષાઓના કારણે, ભાષાઓના આધારે કરવામાં આવી છે. પ્રાદેશિક ભાષાઓ મહત્ત્વની છે અને સંબંધિત રાજ્યો એમની પોતપોતાની પ્રાદેશિક ભાષાનું અનુસરણ કરે છે. એક્ટર સુદીપે એ જ કહ્યું છે અને તે સાચા છે. દરેક જણે આ મંતવ્યનો આદર કરવો જોઈએ.
દક્ષિણ ભારતીય ફિલ્મોને તાજેતરમાં દેશભરમાં મળેલી સફળતા અંગે કિચ્ચા સુદીપે એક મુલાકાતમાં કહ્યું હતું કે આ દર્શાવે છે કે હિન્દી હવે રાષ્ટ્રભાષા રહી નથી. એના જવાબમાં અજય દેવગને ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે હિન્દી રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે.