નવી દિલ્હીઃ સિંગર કનિકા કપૂરનો પાંચમો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ડોક્ટર્સનું એ માનવું છે કે તેની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટવ દર્દીનો દરેક 48 કકલાક પછી કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવે છે અને કનિકાના પાંચ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ બધા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, છતાં કનિકામાં બીમારીનાં કોઈ લક્ષણો નજરે ચઢતાં નથી.
કનિકાને હાલ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી છે. આ સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર આર. કે. ધીમાને કહ્યું હતું કે સિંગરની હાલત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કનિકા કપૂર અસિમ્પ્ટોમેટિક છે, એટલે કોઈ લક્ષણ નથી દેખાતાં. જોકે હાલત સ્થિર અને સારી છે. તે સામાન્ય વ્યક્તિની જેમ ખોરાક લઈ રહી છે. તેમણે મિડિયામાં તેમની ખરાબ હાલતના આવેલા અહેવાલને ખોટા ગણાવ્યા હતા.
ઘરવાળા નાખુશ
કનિકા કપૂરનો ચોથો ચેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેના ઘરના સભ્યોએ કનિકા કપૂરના વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરવાની ઇચ્છા દર્શાવી હતી. ઘરના સભ્યો વ્યવસ્થા તંત્રથી નાખુશ છે અને સારી રીતે કામ નહીં કરવા બદલ આરોપ લગાવી રહ્યા છે. આ પહેલાં તેમણે ડોક્ટર્સે આરોપ લગાવ્યો હતો કે કનિકા કપૂર સારવારમાં સાથ-સહકાર નથી આપતી. તે એક દર્દીને બદલે એક સ્ટારની જેમ વ્યવહાર કરી રહી છે.
કનિકા કપૂર નવ માર્ચે, લંડનથી પરત ફરી હતી અને એ પછી તેણે કેટલીય પાર્ટી અને સમારોહમાં હાજરી આપી હતી. ત્યાર બાદ કોરોના વાઇરસનાં લક્ષણો દેખાતાં 20 માર્ચથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના અત્યાર સુધી કોરોના પાંચ ટેસ્ટ થયા છે અને બધા પોઝિટિવ આવ્યા છે.