સરકારે SCને કહ્યું, ‘હવે એક પણ માઈગ્રન્ટ કામદાર રોડ પર નથી’

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી ભારતમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, પણ વીતી ગયેલા અમુક દિવસોમાં સ્થળાંતરિત કામદારો, મજૂરો, ગરીબો ઘણા રાજ્યોમાં રસ્તાઓ પર જોવા મળ્યા બાદ ઉહાપોહ મચી ગયો હતો.

લોકડાઉનને કારણે કામ છૂટી જવાથી તેમજ માલિકોએ કાઢી મૂકતાં દેશના અનેક શહેરો, નગરોમાં માઈગ્રન્ટ કામદારોની હાલત કફોડી થઈ ગઈ હતી. તેઓ પોતપોતાના વતન-ગામ જવા રવાના થયા હતા, પરંતુ ટ્રેન અને બસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હોવાથી તેઓ રસ્તાઓ પર ચાલતા જતા જોવા મળ્યા હતા. એ વિશેની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર જોવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો.

એ મામલે સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો અને ગરીબ મજૂરો, કામદારોની કાળજી લેવાનો સરકારને આદેશ આપ્યો હતો. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે હવે દેશમાં કોઈ માઈગ્રન્ટ કામદાર રસ્તા પર નથી. સદ્દનસીબે, સરકારે આગોતરા અને પ્રતિબંધાત્મક પગલાં લીધા હતા એટલે રોગચાળો ભારતમાં ફેલાયો નથી. ભારત સરકારે ગયા જાન્યુઆરીથી જ કોરોના વાઈરસને રોકવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સોલિસીટર જનરલ તુષાર મહેતા

જો સ્થળાંતરિત કામદારો, મજૂરોને રોકવામાં આવ્યા ન હોત તો વાઈરસ ગામડાઓમાં પહોંચી જાત. દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગામડામાં વાઈરસને લઈ જાત, એમ મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું.

મહેતાએ સુપ્રીમ કોર્ટને વધુમાં કહ્યું કે, આંતર-રાજ્ય માઈગ્રેશન સંપૂર્ણપણે રોકી દેવાની રાજ્યોને કેન્દ્ર તરફથી કડક સૂચના આપવામાં આવી છે. મારી પાસે જાણકારી છે કે હવે એક પણ માઈગ્રન્ટ કામદાર રસ્તા પર નથી. જે લોકો રસ્તાઓ પર હતા, એમણે ઉપલબ્ધ આશ્રય મેળવી લીધો છે.

 

મહેતાએ કોર્ટને કહ્યું કે ભારતમાં પહેલો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો એની પહેલાથી જ દેશમાં એવા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેઓ વિદેશમાંથી પાછા ફર્યા હતા. વાઈરસને ફેલાતો રોકી શકાયો છે એનો અમને (સરકારને) ઘણો સંતોષ થયો છે. એરપોર્ટ તથા બંદરગાહો પર તમામ લોકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમનામાં કોરોનાનાં લક્ષણ જણાયા હતા એમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા અને જેમનામાં લક્ષણ જોવા મળ્યા નહોતા એમને 14-દિવસ સુધી સ્વૈચ્છિક-આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

 

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ એવો સવાલ પૂછ્યો હતો કે શું કોરોનાનાં લક્ષણ ન હોય એવી વ્યક્તિઓને જવા દેવામાં આવી હતી? એના જવાબમાં સોલિસીટર જનરલ મહેતાએ કહ્યું હતું કે એવી વ્યક્તિઓને પાછળથી જો કોઈ લક્ષણ જણાય તો સત્તાવાળાઓને જાણ કરવા માટે એક હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યો હતો.

કોવીડ-19 (કોરોના) માટેની ટેસ્ટ હાથ ધરવા માટે દેશમાં શરૂઆતમાં માત્ર એક જ લેબોરેટરી હતી, જે પુણેમાં છે, પરંતુ હવે દેશમાં 118 લેબ્સ છે. પુણેની લેબોરેટરીની ક્ષમતા પણ વધારી દેવામાં આવી છે.