હિન્દુ કટ્ટરવાદીઓ પણ હવે હિંસા કરવા માંડ્યા છેઃ કમલ હાસન

ચેન્નાઈ – તામિલ ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા કમલ હાસને એમ કહીને વિવાદ જગાડ્યો છે કે હિન્દુ આતંકવાદ પણ હોય છે.

ઉલ્લેખનીય છે કે કમલ હાસન સક્રિય રાજકારણમાં પ્રવેશીને એમની જિંદગીની નવી ઈનિંગ્ઝ શરૂ કરવા વિચાર કરી રહ્યા છે.

‘આનંદ વિકટન’ નામના એક તામિલ મેગેઝિનમાં લખેલા લેખમાં કમલ હાસને જણાવ્યું છે કે અગાઉ જમણેરી વિચારસરણીવાળા હિન્દુઓ હિંસામાં ઉતર્યા વગર દલીલબાજી કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે જ્યારે એમના લુચ્ચાપણાનું હવે બહુ ઉપજતું નથી એટલે એમણે પણ હિંસાનો આશરો લેવાનું શરૂ કરી દીધું છે.

કમલે વધુમાં લખ્યું છે કે, ત્રાસવાદ હવે એમની (જમણેરી વિચારસરણીવાળાઓની) છાવણીમાં પણ પ્રવેશ્યો છે. આ ત્રાસવાદ પોતાને હિન્દુ કહેનારા લોકો માટે કોઈ જીત કે પ્રગતિ સમાન નથી. જમણેરી વિચારસરણીવાળાઓને જો હિન્દુ આતંકવાદીનું નામ આપવામાં આવે તો એ જરાય ખોટું નહીં કહેવાય. 

કમલનું કહેવું છે કે આજકાલ ધાર્મિક ઉત્સવોને ધંધાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે.

કમલ ક્યારે રાજકારણમાં પ્રવેશ કરશે?

કમલ હાસને પોતે રાજકારણમાં કેવી રીતે એન્ટ્રી કરશે એ વિશે હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી, પણ આનંદ વિકટન મેગેઝિનમાં એમની સાપ્તાહિક શ્રેણીના એક અંકમાં લખ્યું છે કે, ‘તૈયાર રહો… બધું સાત નવેમ્બરે જણાવીશ.’

એ દિવસે કમલ હાસનનો જન્મદિવસ છે અને એ દિવસે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કરે એવી ધારણા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]