નવી દિલ્હી – બહુચર્ચિત અને અત્યંત સંવેદનશીલ એવા અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન માલિકી વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુનાવણીની રૂપરેખા નક્કી કરવા માટે ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ હવે 29 જાન્યુઆરીએ બેસશે. તે બેન્ચ નવી બનાવવામાં આવશે, કારણ કે હાલની બેન્ચ પરના એક જજ સુનાવણીમાંથી હટી ગયા છે.
આ કેસમાં સુનાવણી માટેની રૂપરેખા નક્કી કરવા માટે પાંચ-ન્યાયાધીશોની બંધારણી બેન્ચની રચના કરવામાં આવી હતી જેની આગેવાની દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ લીધી છે. પરંતુ એક જજ – યૂ.યૂ. લલિત બેન્ચ પરથી હટી જતાં એમની જગ્યાએ હવે નવા જજની નિમણૂ્ક કરવી પડશે.
પાંચ જજો આજે સુનાવણી માટે હાજર થયા હતા, પરંતુ ચીફ જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે આજે બેન્ચ માત્ર એ તારીખ જ નક્કી કરશે કે સુનાવણી ક્યારથી શરૂ કરવી. આજનો દિવસ સુનાવણીનો નથી, માત્ર તારીખ નક્કી કરવાનો છે.
કેસમાં સુનાવણી માટે હિન્દુઓના પક્ષના લૉયર્સ છે હરીશ સાળવે, રંજીત કુમાર, સી.એસ. વૈદ્યનાથન જ્યારે મુસ્લિમ પક્ષના વકીલો છે ઝફરયાબ જિલાની અને રાજીવ ધવન.
રાજીવ ધવને આજે સવાલ ઉઠાવ્યો હતો કે જસ્ટિસ લલિત તો 1977માં એક અન્ય ક્રિમિલ કેસમાં ભાજપના નેતા કલ્યાણ સિંહના વકીલ હતા. એ કેસ ભલે રામ જન્મભૂમિ કેસથી અલગ હતો તે છતાં જસ્ટિસ લલિત હવે આ કેસમાં ન્યાયાધીશ તરીકે બેન્ચ પર કેવી રીતે બેસી શકે?
તેથી જસ્ટિસ લલિતે બેન્ચ પરથી હટી જવાની ચીફ જસ્ટિસને વિનંતી કરી હતી. ચીફ જસ્ટિસ ગોગોઈએ બાદમાં જાહેરાત કરી હતી કે જસ્ટિસ લલિત બેન્ચ પરથી હટી ગયા હોવાથી હવે નવી બેન્ચની રચના કરવામાં આવશે અને તે બેન્ચ 29મીએ સુનાવણી કરશે.
બેન્ચ પર ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપરાંત અન્ય ત્રણ જજ છે – એસ.એ. બોબડે, એન.વી. રામન્ના, ડી.વાય. ચંદ્રચુડ.