ઘેર આવ્યાં બાદ ઓફિસના ફોન-મેઈલનો જવાબ આપવામાંથી છૂટકારો મળશે?

નવી દિલ્હી- એનસીપી સાંસદ સુપ્રિયા સૂલેએ લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર્સ બિલ રજૂ કર્યું છે. જે હેઠળ પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને ઓફિસથી ઘેર આવ્યાં બાદ ઓફિશિયલી ફોન કોલ અને મેઈલનો જવાબ આપવાની મજબૂરીમાંથી છૂટકારો મળી શકશે. આ બિલને રાઈટ ટૂ ડિસ્કનેક્ટ નામ આપવામાં આવ્યું છે.

એનસીપી સાંસદે જણાવ્યું કે, આ બિલ લાગુ થયાં બાદ કર્મચારીઓમાં માનસિક તણાવ ઓછો થશે અને પર્સનલ લાઈફ સ્ટેબલ રાખવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે, આ બિલ હજુ માત્ર લોકસભામાં જ રજૂ થયું છે. લોકસભા અને રાજ્યસભાની મંજૂરી મળ્યા બાદ જ આ કાયદો અમલી બનશે.

આ બિલ હેઠળ કલ્યાણ વેલફેર ઓથોરિટીની રચના કરવામાં આવશે, જ્યાં આઈટી, કોમ્યુનિકેશન અને શ્રમ પ્રધાનોને રાખવામાં આવશે. બિલ હેઠળ એક ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે. આ ચાર્ટરમાં જે કંપનીઓમાં 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હશે તે તેમના કર્મચારીઓ સાથે વાત કરશે અને તે ઈચ્છશે તો ચાર્ટરમાં શામિલ થશે. ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનું જ એક બિલ ફ્રેન્ચ સુપ્રીમ કોર્ટમાં લાગૂ કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે, અને જર્મનીમાં પણ આ કાયદો બનાવવાની વાતચીત ચાલી રહી છે. એટલે કે જો આ બિલ પાસ થઈ ગયું તો ખાનગી કર્મચારીઓની ડ્યૂટી પૂર્ણ થયાં બાદ ઓફિસના ફોન કોલ અને મેઈલનો જવાબ આપવામાંથી મુક્તિ મળી શકશે. અને આમ કરવાથી કર્મચારીઓ પર કોઈ લિગલ એકશન પણ નહીં લેવામાં આવે.

જો રાઈટ ટૂ ડિસકનેક્ટ બિલ પાસ થઈ જશે તો, સ્વભાવિક રીતે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટી રાહત વાત કહેવાશે.