કર્ણાટકના મુખ્યપ્રધાનનું દર્દ, કહ્યું સીએમ નહી ક્લાર્ક તરીકે કરવું પડે છે કામ

બેંગ્લોરઃ કર્ણાટકમાં સત્તારુઢ ગઠબંધન કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે વિવાદ વધી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણી સુધી બંન્ને પક્ષના નેતાઓ સાથે ટકી રહેશે તેની શક્યતાઓ લગભગ નહિવત્ત દેખાઈ રહી છે. હકીકતમાં આ વાતનો સંકેત ખુદ પ્રદેશની કમાન સંભાળી રહેલા મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ આપ્યો છે. જેડીએસના વિધાયકો અને વિધાન પરિષદના સભ્યોની બેઠકમાં ભાવુક થઈને કુમાર સ્વામીએ જણાવ્યું કે તેઓ દરેક ક્ષેત્રમાં કોંગ્રેસ દ્વારા સતત કરવામાં આવતા હસ્તક્ષેપના કારણે મુખ્યપ્રધાન નહી પરંતુ ક્લાર્ક બની ગયા છે.

જેડીએસના કેટલાક ધારાસભ્યો અનુસાર કુમાર સ્વામીએ તેમને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ પાર્ટીના સામે આવનારા પડકારોનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના નેતા બધુ જ પોતાના પક્ષમાં કરાવવા ઈચ્છે છે અને તેમની પાસે કોંગ્રેસના નેતાઓની વાતોને સાંભળ્યા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કર્ણાટકના મુખ્યપ્રધાના ચહેરા પર આ વાત કહેતા સમયે હેરાનગતી અને મેન્ટલી પ્રેશરના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે હું ખૂબ જ દબાણમાં કામ કરી રહ્યો છે અને કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે હું હંમેશા તેમના ઈશારા પર કામ કરું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોનું કહેવું છે કે મુખ્યપ્રધાન પ્રેશરમાં દેખાઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ બિગ બ્રધર જેમ વર્તી રહી છે. તે તમામ આદેશો પર હસ્તાક્ષરનું દબાણ બનાવી રહી છે. જેડીએસના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ મુખ્યપ્રધાન કુમાર સ્વામી પર કેબિનેટ વિસ્તાર માટે પણ દબાણ કરી રહી છે. આ સીવાય રાજ્યના નિગમો અને અન્ય તમામ બોર્ડમાં જેડીએસની સલાહ લીધા વગર પોતાના પસંદગીના લોકોને ચેરપર્સન નિયુક્ત કરી દિધા છે.