જસ્ટિસ એનવી રમણે દેશના 48માં CJIનું પદ સંભાળ્યું

નવી દિલ્હીઃ ન્યાયમૂર્તિ એન. વી. રમણે દેશના 48મા મુખ્ય ન્યાયાધીશ (CJI)ના શનિવારે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં ન્યાયમૂર્તિ રમણને પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ  એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ સહિત કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામેલ થયા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં દિશા-નિર્દેશોનું વ્યાપક પાલન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે બંધારણના આર્ટિકલ 124ની કલમ બેનો ઉપયોગ કરીને ન્યાયમૂર્તિ રમણને નવા CJI નિયુક્ત કર્યા હતા. ન્યાયમૂર્તિ રમણે ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેનું સ્થાન લીધું છે, જેમનો કાર્યકાળ ગઈ કાલે પૂરો થયો હતો. ન્યાયમૂર્તિ રમણે વિજ્ઞાન અને કાયદામાં ગ્રેજ્યુએશન કર્યા પછૂ 10 ફેબ્રુઆરી, 1983એ વકીલાતનો પ્રારંભ કર્યો હતો. તેમણે વકીલાત દરમ્યાન આંધ્ર પ્રદેશની હાઈકોર્ટ અને કૈટમાં તથા સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી છે.

27 જૂન, 2000એ આંધ્ર પ્રદેશન હાઈકોર્ટમાં સ્થાયી ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા પછી 13 માર્ચથી 20 મે, 2013એ દિલ્હીની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ન્યાયમૂર્તિ રમણ 26 ઓગસ્ટ, 2022એ સેવાનિવૃત્ત થવાના છે.