આનંદોઃ LPG સિલિન્ડર હવે થયા સસ્તા…

નવી દિલ્હીઃ લોકડાઉનમાં એક સારા અને આનંદદાયક સમાચાર આવ્યા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. હવે લોકડાઉનની વચ્ચે મોંઘવારીમાં તમને રાહત મળશે. ઓઇલ કંપનીઓએ સામાન્યજનને મોટી રાહત આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL અને IOC)એ સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો કાપ મૂક્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડર પર દિલ્હીમાં રૂ. 162.5 ઘટાડવામાં આવ્યા છે.

દેશમાં સિલિન્ડરના દર

સિલિન્ડરની કિંમતોની નવી કિંમતો દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ઇન્ડિયન ઓઇલ મુજબ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડાઇઝ્ડ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને રૂ. 581 થઈ ગઈ છે, જે પહેલાં રૂ. 744 હતી. કોલકાતામાં કિંમતો રૂ. 774.50થી ઘટીને રૂ. 584.50, મુંબઈમાં રૂ. 714.50થી ઘટીને રૂ. 579 અને ચેન્નઈમાં રૂ. 761.50થી ઘટીને રૂ. 569.50 થઈ ગયા છે. ગુજરાતમાં સિલિન્ડરના ભાવમાં રૂ. 151નો ઘટાડો કરાયો છે. અમદાવાદમાં હવે ગેસ સિલિન્ડરના રૂ. 586 આપવાના રહેશે, જે એપ્રિલમાં રૂ. 737 હતા.

મોટા સિલિન્ડરની કિંમતોમાં પણ ઘટાડો

ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા સિલિન્ડરોની કિંમતોમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં 19 કિલોના રાંધણગેસ સિલિન્ડર રૂ. 256 સસ્તાં થયાં છે. હવે ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1285.5થી ઘટીને રૂ. 1029.50 થઈ ગઈ છે. કોલકાતામાં એની કિંમતો ઘટીને રૂ. 1086, મુંબઈમાં રૂ. 978 અને ચેન્નઈમાં રૂ. 1144.50 પર આવી ગઈ છે.

દેશમાં રાંધણગેસની કિંમતો  ઘટવાને કારણે 1.5 કરોડ ગ્રાહકોને લાભ થશે.

ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવ બે પરિબળ પર આધારિત હોય છે – એલપીજીના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ભાવ અને યુએસ ડોલર તથા રૂપિયાનો વિનિમય દર.

ભારતમાં રાંધણ ગેસ માત્ર માર્કેટ ભાવે મળે છે, પરંતુ દરેક ઘરને વર્ષમાં સબ્સિડીના દરે 14.2 કિલોગ્રામ વજનનું એક એવા 12 સિલિન્ડર મળે છે. સબ્સિડી સીધી ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જાય છે.