મુંબઈ-દિલ્હી ફ્લાઈટમાં ધમકીભરી નોંધઃ જવાબદાર શખ્સને ઓળખી કઢાયો છે

નવી દિલ્હી – મુંબઈથી આજે મળસ્કે દિલ્હી આવનાર જેટ એરવેઝની ફ્લાઈટના શૌચાલયમાંથી ધમકીભરી એક નોંધ મળી આવ્યા બાદ વિમાનને અમદાવાદ એરપોર્ટ ખાતે તાકીદે ઉતારવાની ફરજ પડી હતી. એ બનાવની ગંભીર નોંધ લઈને કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન પ્રધાન ગજપતિ રાજુએ એરલાઈનને કહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર માણસને એ તત્કાળ નો-ફ્લાય યાદીમાં મૂકી દે અને એની સામે અન્ય કાનૂની ક્રિમિનલ કાર્યવાહી કરે.
રાજુએ કહ્યું કે, એમને જાણકારી આપવામાં આવી છે કે જેટ એરવેઝની 9W339 ફ્લાઈટમાં ભડકાવનારી નોંધ મૂકનાર શખ્સને ઓળખી કાઢવામાં આવ્યો છે. એનું નામ સલ્લા બિરજુ છે અને એણે કબૂલ કર્યું છે કે એણે ફ્લાઈટની કામગીરીને ખોરવી નાખવા માટે ધમકીભરી નોંધ મૂકી હતી.

તે વિમાનમાં ૧૧૫ પ્રવાસીઓ અને સાત ક્રૂ મેમ્બર્સ હતા.

એક કેબિન ક્રૂ મેમ્બરે કહ્યું હતું કે એણે એક પ્રિન્ટેડ નોંધ જોઈ હતી જેમાં લખ્યું હતું કે વિમાનના કાર્ગો ભાગમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. એ નોંધની જાણ તરત જ વિમાનના પાઈલટને કરવામાં આવી હતી, એમણે હાઈજેક એલર્ટ બટન દબાવી દીધું હતું જેને પગલે વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ વાળી ત્યાં એનું તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું હતું. દિલ્હી જતી જેટ એરવેઝની એક ફ્લાઈટને આજે વહેલી સવારે સલામતીના કારણોસર અમદાવાદમાં ડાઈવર્ટ કરવામાં આવી હતી.

(વિમાના શૌચાલયમાંથી મળી આવેલી ધમકીભરી નોંધની તસવીર)

સૂત્રોના જણાવ્યા મુજબ, 9W339 નંબરની ફ્લાઈટ મુંબઈથી વહેલી સવારે 2.55 વાગ્યે ઉપડી હતી, પણ દિલ્હીને બદલે 3.45 વાગ્યે એને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.

વિમાનમાંના એક મુસાફરે કહ્યું હતું કે સલામતીના કારણોસર ફ્લાઈટને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતરી જવા જણાવાયું હતું અને ત્યારબાદ એમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે ફ્લાઈટના શૌચાલયમાંથી મળી આવેલી અંગ્રેજી તથા ઉર્દૂ ભાષા લિખિત ધમકીભરી નોંધમાં લખ્યું હતું કે અપહરણકર્તાઓએ વિમાનને એમના તાબામાં લઈ લીધું છે, અને વિમાનને સીધું પાકિસ્તાનના તાબા હેઠળના કશ્મીર (POK)માં લઈ જવું.