આર્ટિકલ 35-A પર SCમાં સુનાવણી ટળી, કેન્દ્ર સરકારે માગ્યો 8 સપ્તાહનો સમય

નવી દિલ્હી- નવી દિલ્હી- જમ્મુ કશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના આર્ટિકલ 35-Aને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં ન્યાયાધિશ ડી.વાય. ચંદ્રચુડ અને અજય ખાનવિલકરની બનેલી ત્રણ ન્યાયાધિશોની બેન્ચ સમક્ષ આ સુનાવણી યોજવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સોગંદનામું રજૂ કરીને નોટિસનો જવાબ આપવા 8 સપ્તાહનો સમય માગ્યો હતો. ત્યારબાદ કોર્ટે સુનાવણી મોકુફ રાખી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1954માં પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા બંધારણમાં અનુચ્છેદ 35-A ઉમેરવામાં આવી હતી. જેનાથી જમ્મુ-કશ્મીરની ધારાસભાને કાયદાઓ ઘડવા વિશેષ સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભાને સ્થાનિક લોકોની વ્યાખ્યા નક્કી કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારને પગલે અન્ય રાજ્યના લોકો પર જમ્મુ કશ્મીરમાં જમીનની ખરીદી, સરકારી નોકરીઓ અથવા વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાની કરવામાં આવી છે.

દિલ્હીના NGO વી ધ સિટિઝને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ જોગવાઈ રદ કરવાની માગ કરી છે. પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આર્ટિકલ 35-Aને કારણે બંધારણને સર્વોપરી માનતા લોકોને જમ્મુ કશ્મીરમાં તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહેવું પડે છે. જેથી રાષ્ટ્રપતિના આદેશથી જારી કરવામાં આવેલા આ આદેશને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી અમાન્ય કરવો જોઈએ.