નવી દિલ્હીઃ દિલ્હીના બહુચર્ચિત જેસિકા લાલ હત્યા કેસના અપરાધી મનુ શર્માને કારાવાસ દરમિયાન સારો વર્તાવ કરવા બદલ તિહાર જેલમાંથી વહેલો છોડી દેવામાં આવ્યો છે. દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલે શર્માને જેલમાંથી છોડી મૂકવા માટે દિલ્હી સેન્ટેન્સ રીવ્યૂ બોર્ડ (સમીક્ષા બોર્ડ)એ કરેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. એને ગઈ કાલે સાંજે જ તિહાર જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે.
હાલ 45 વર્ષનો મનુ શર્મા ઉર્ફે સિદ્ધાર્થ વશિષ્ઠ મોડેલ જેસિકા લાલને ગોળીથી ઠાર મારવાના આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એણે જેલમાં 16 વર્ષ, 11 મહિના, 24 દિવસ વિતાવ્યા છે.
મનુ શર્મા ઉપરાંત બીજા 18 કેદીઓને પણ છોડી મૂકવાની ભલામણનો બૈજલે સ્વીકાર કર્યો છે.
શર્મા હાલ જેલની બહાર જ છે. એને 2006ના ફેબ્રુઆરીમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ, એને કારણે ભારે ઉહાપોહ મચી જતાં અમુક મહિના બાદ દિલ્હી હાઈકોર્ટે એને આજીવન કેદની સજા ફટકારી હતી. 2010માં એ સજાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
કાયદો જણાવે છે કે બળાત્કાર અને હત્યા કરનાર, હત્યા અને લૂંટના અપરાધી, ત્રાસવાદના કેસોમાં હત્યા કરનાર, પેરોલ પર છૂટેલો હોય ત્યારે હત્યા કરનારા કેદીઓને બાદ કરતાં અન્ય કેદીઓ જેલમાં 14 વર્ષની સજા પૂરી કરે તો વહેલી જેલમુક્તિ મેળવવાને પાત્ર બને છે.
મનુ શર્મા હરિયાણાના ભૂતપૂર્વ કોંગ્રેસી સંસદસભ્ય વિનોદ શર્માનો પુત્ર છે. એણે 1999ની 30 એપ્રિલની મધરાતે દિલ્હીની ટેમરિન્ડ કોર્ટ રેસ્ટોરન્ટ એન્ડ બારમાં એક ખાનગી પાર્ટી વખતે મોડેલ જેસિકા લાલની ગોળી મારીને હત્યા કરી હતી. મનુ શર્મા પાર્ટીમાં મોડો પહોંચ્યો હતો અને ‘હવે બાર બંધ થઈ ગયો છે’ એમ કહીને જેસિકાએ દારૂ પીરસવાની ના પાડતાં મનુ શર્માએ ગુસ્સામાં આવીને પોતાની રિવોલ્વરમાંથી એને ગોળી મારી હતી. જેસિકાનું બાદમાં મૃત્યુ નિપજ્યું હતું.
મનુ શર્મા સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની આ કલમો હેઠળ અપરાધી જાહેર કરાયો હતોઃ 302 (હત્યા), 201 (કરેલા ગુનાના પુરાવાનો નાશ કરવો કે ખોટી માહિતી આપવી), 120-બી (ક્રિમિનલ ષડયંત્ર ઘડવું).
પોતાની આ સજા દરમિયાન એ 12 વખત પેરોલ પર છૂટ્યો હતો અને 24 વખત જેલમાં ગેરહાજર રહેવાની ખાસ લાંબી રજાની મંજૂરી મેળવી ચૂક્યો હતો.
સદ્દગત જેસિકાની બહેન સબરીનાએ ગયા મહિને કહ્યું હતું કે એણે મનુ શર્માને માફ કરી દીધો છે. ગુનો કરવા બદલ એણે જેલવાસ ભોગવી લીધો છે. હું તો જિંદગીમાં આગળનું જ જોઉં છું. મારી લડાઈ ન્યાય માટેની હતી. અમને ન્યાય મળી ગયો છે. જો એને છોડી મૂકવામાં આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એ હવે સુધરી ગયો હશે એવી આશા રાખું છું અને પ્રાર્થના કરું છું.