અયોધ્યામાં આતંકવાદી હુમલો કરવાનો જૈશ-એ-મોહમ્મદનો પ્લાન

અયોધ્યા – ગુપ્તચર એજન્સીઓના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પવિત્ર અને યાત્રાધામ અયોધ્યામાં ત્રાસવાદી હુમલો કરવાની વેતરણમાં છે.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશ-એ-મોહમ્મદ તરફથી મોકલવામાં આવેલા એક સંદેશાને ગુપ્તચરોએ આંતર્યો હતો અને એના પરથી માલૂમ પડ્યું છે કે તેઓ અયોધ્યા શહેર પર હુમલો કરવાની તજવીજમાં છે.

ગુપ્તચર એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે મોકલેલા એક ટેલિગ્રામ સંદેશાને આંતર્યો હતો. એ સંદેશમાં રામ જન્મભૂમિ સ્થળ પર હુમલો કરવાનો આતંકવાદીઓનો પ્લાન હોવાનું જાણવા મળ્યું હતું.

આ ટેલિગ્રામને પગલે અયોધ્યા તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય તેમજ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને સાવધ કરી દેવામાં આવી છે.

દેશના ઘણા મહત્ત્વના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક્સ પર સતત દેખરેખ રાખી રહી છે.

અયોધ્યામાં હુમલો કરીને ભારતમાં કોમી એખલાસનું વાતાવરણ બગાડી નાખવાનો જૈશ સંગઠનનો બદઈરાદો છે.