લખનૌઃ સત્યુગમાં રામ નામે પથ્થરો તરતા હતા, પણ હવે કળિયુગમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની આન્સરશીટમાં ‘જય શ્રીરામ’ લખીને પણ પાસ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષામાં ‘જય શ્રીરામ’ અને ક્રિકેટર્સનાં નામ લખીને શાનદાર અંકો સાથે પાસ થઈ ગયા છે. હવે તેમની કોપી તપાસવાવાળા બે પ્રોફેસર તપાસના દાયરામાં આવી ગયા છે.
આ મામલો જોનપુરમાં વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીનો છે. આ યુનિવર્સિટીમાં ડી ફાર્મા (ડિપ્લોમા ઇન ફાર્મસી)ના કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના ઉત્તર પત્રમાં ‘જય શ્રીરામ’નું નામ, અગ્રણી ક્રિકેટરોનાં નામ અને કેટલીક અન્ય વિગતો વિગતવાર લખી હતી, જેનો પરીક્ષાના સવાલોથી કોઈ લેવાદેવા નહોતી.
આન્સરની વચ્ચે ‘જય રામજી પાસ હો જાય’ લાઇન લખેલી એક કોપીની ફોટો વાઇરલ થઈ ગયો હતો. અહેવાલ મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ સિંહે ગયા વર્ષે ઓગસ્ટમાં RTI કરી હતી અને 18 વિદ્યાર્થીઓની એક્ઝામ આન્સરશીટને ફરીથી તપાસની માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે સંબંધિત પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમની પાસેથી લાંચ લીધી હતી. વિદ્યાર્થી નેતાએ રાજભવનમાં પણ ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ રાજ્યપાલ ઓફિસે ગયા વર્ષે ડિસેમ્બરમાં તપાસનો આદેશ આપ્યો હતો.
યુનિવર્સિટી મેનેજમેન્ટની એક સમિતિએ બહારના પ્રોફેસરો દ્વારા પરીક્ષાની આન્સરશીટને ફરીથી ચેક કરાવી, ત્યારે ચાર વિદ્યાર્થીની કોપીમાં કેટલીય જગ્યાએ જય શ્રીરામ લખેલું હતું. એ સાથે ભારતીય અને વિદેસી ક્રિકેટરોનાં નામ પણ સવાલના જવાબોમાં લખેલા હતા. આ બધા વિદ્યાર્થીઓને 50 ટકાથી વધુ માર્ક મળ્યા હતા. કોપી રિચેક થતાં માર્ક 0 થયા હતા. ત્યાર બાદ આ કેસમાં જવાબદાર બે પ્રોફેસરોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.