નવી દિલ્હીઃ ભારતની કેન્દ્ર સરકારસંચાલિત અગ્રગણ્ય અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને દેશની જાણીતી નેવિગેશન ટેક્નોલોજી સોલ્યૂશન્સ પ્રોવાઈડર કંપની ‘મેપમાયઈન્ડિયા’એ જાહેરાત કરી છે કે તેઓ ભારતનું સર્વોત્તમ અને સંપૂર્ણપણે સ્વદેશી મેપિંગ પોર્ટલ અને જિયોસ્પેશલ સેવાઓ પૂરી પાડવા માટે ભાગીદારીમાં એક પહેલ આદરી છે. ‘મેપમાયઈન્ડિયા’ના સીઈઓ અને મેનેજિંગ ડાયરેટર રોહન વર્માએ કહ્યું છે કે સંયુક્ત ઉપક્રમ ‘મેપમાયઈન્ડિયા’ની ડિજિટલ મેપ્સ અને ટેક્નોલોજીઓ તથા ઈસરો સંસ્થાના સેટેલાઈટ ઈમેજરી અને અર્થ ઓબ્ઝર્વેશન ડેટાના કેટલોગનું જોડાણ હશે. કેન્દ્ર સરકારે આદરેલા આત્મનિર્ભર ભારત સંકલ્પમાં દેશની સફરમાં આ જોડાણ એક ક્રાંતિકારી સિદ્ધિ બની રહેશે. જેમાં ભારતીય યૂઝર્સને નકશાઓ, નેવિગેશન (દિશા-માર્ગસૂચક) અને જિયોસ્પેશલ (ભૂ-સ્થાનિક) સેવાઓ માટે વિદેશી સંસ્થાઓ-કંપનીઓ પર નિર્ભર રહેવું નહીં પડે અને તેઓ ભારતમાં જ બનાવેલા સોલ્યૂશન્સનો લાભ લઈ શકશે.
‘મેપમાયઈન્ડિયા’ના નકશાઓ ભારતભરમાં 63 લાખ કિલોમીટરના રોડ નેટવર્ક દ્વારા 7.5 લાખ ગામડા, 7,500થી વધારે શહેરો (ત્યાંના માર્ગો અને ઈમારતોના સ્તરે) દ્વારા કનેક્ટેડ છે. ભારતભરમાં 3 કરોડથી વધુ નકશાઓ પૂરા પાડે છે.