રેલવે પેસેન્જર ટ્રેનો એપ્રિલથી દોડાવે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. દેશમાં દિન-પ્રતિદિન કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેટલાક એવાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં કોરોના સંક્રમણથી કોઈ મોતના સમાચાર નથી. દેશમાં આર્થિક કામકાજ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. રેલવે મંત્રાલયનાં સૂત્રો અનુસાર એક એપ્રિલથી બધી પેસેન્જર ટ્રેન પાટે દોડવા લાગશે.

આવતા મહિને શરૂ થનારા તહેવાર સુધી માગ અને હાલની નિયંત્રિત કોવિડની સ્થિતિને જોતાં રેલવે 100 ટકા ક્ષમતાએ ટ્રેનો દોડાવવાના તૈયારી કરી રહી છે. જોકે રેલવે આ તૈયારી માટે PMOથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહી છે. રેલવે હાલ 65 ટકા પેસેન્જર ટ્રેનો (મેઇલ અને એક્સપ્રેસ ટ્રેન)નું સંચાલન કરી રહી છે.  એની સાથે-સાથે આશરે બધી સબર્બન અથવા મેટ્રો ટ્રેનો પણ શરૂ થઈ જશે.

રેલવેએ કોવિડ-19 રોગચાળા પછી દેશવ્યાપી લોકડાઉનને જોતાં 22 માર્ચથી બધી રેગ્યુલર પેસેન્જર ટ્રેન સેવા પર પ્રતિબંધ હતો. જોકે રેલવેએ કેટલીય ટ્રેનોનું સંચાલન કર્યું હતું. હજી પણ બધા રૂટ્સમાં નિયમિત ટ્રેનોને બદલે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં 300થી વધુ સ્પેશિયલ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પાટે દોડી રહી છે.

ટ્રેનોમાં ઓનલાઇન ફૂડ મગાવવાની સુવિધા શરૂ

રેલવે બોર્ડે હાલમાં IRCTCની ઈ-કેટરિંગ સેવા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી. એનાથી રેલવેના પ્રવાસીઓ ટ્રેનમાં ફૂડ મગાવી શકશે. આ સેવા હાલ પસંદગીના સ્ટેશનો માટે શરૂ કરવામાં આવી છે.