મુંબઈ – ગઈ કાલે બુધવારે બપોરે અમદાવાદથી મુંબઈ આવેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન એક કલાકને 30 મિનિટ મોડી પડી હતી. આને કારણે ટ્રેનના 630 પ્રવાસીઓને દરેકને રૂ. 100નું આર્થિક વળતર ચૂકવવામાં આવશે.
તેજસ એક્સપ્રેસના 630 પ્રવાસીઓએ IRCTCની રીફંડ નીતિ અનુસાર રીફંડ માટે અરજી કરવાની રહેશે. વેરિફિકેશન કરાયા બાદ એમને વળતર ચૂકવવામાં આવશે.
અમદાવાદથી તેજસ એક્સપ્રેસ સવારે 6.40ને બદલે 2 મિનિટ મોડી ઉપડી હતી અને ત્યારબાદ બપોરે મુંબઈ 1.10 વાગ્યાને બદલે 2.36 વાગ્યે પહોંચી હતી. ટ્રેન મોડી પહોંચવાનું કારણ હતું, મુંબઈની હદમાં ભાયંદર-દહીસર સ્ટેશનો વચ્ચે રેલવે લાઈનમાં ઊભી થયેલી કોઈક ટેકનિકલ ખામી.
પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ કહ્યું કે દહિસર અને ભાયંદર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈન ઉપર બપોરે 12.15 વાગ્યાથી ઓવરહેડ વાયરમાં ખામી ઊભી થઈ હતી અને એમાં પાવર બંધ થઈ ગયો હતો. એને કારણે ટ્રેનો અટકી ગઈ હતી. 12.30 વાગ્યે દહિસર અને મીરા રોડ સ્ટેશનો વચ્ચે અને 1.35 વાગ્યે મીરા રોડ અને ભાયંદર વચ્ચે પાવર પ્રસ્થાપિત કરી શકાયો હતો.
પરંતુ આ સમસ્યાને કારણે બપોરે 3.30 વાગ્યા સુધીમાં અનેક ઉપનગરીય ટ્રેનો રદ કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસ શ્રેણીની ટ્રેનો ખાનગી સ્તરની છે અને તેનું સંચાલન ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ આ શ્રેણીની બીજી ખાનગી ટ્રેન છે. એની કમર્શિયલ ધોરણે સેવા ગઈ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.
તેજસ એક્સપ્રેસ તથા બીજી ઉપનગરીય ટ્રેનો તેમજ બહારગામની ટ્રેનો અટકી ગઈ હતી.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 849 પ્રવાસીઓ હતા, પણ એમાંના 630 જણે મુંબઈ સુધીની સફર કરી હતી. એમને વળતર ચૂકવવામાં આવશે.
IRCTCની નીતિ અનુસાર તેજસ એક્સપ્રેસ જો એક કલાક મોડી પડે તો પ્રવાસીઓને દરેકને રૂ. 100 અને જો બે કલાકથી વધારે સમય મોડી પડે તો પ્રત્યેકને રૂ. 250નું વળતર ચૂકવવામાં આવશે.
આનો અર્થ એ થાય કે બુધવાર માટે IRCTC તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓને આશરે રૂ. 63,000ની ચૂકવણી કરશે. પ્રવાસીઓએ વળતર મેળવવા માટે IRCTCને ફોન કરવાનો રહેશે અથવા ઈમેલ મોકલવાનો રહેશે. એમણે કેન્સલ કરેલો એક ચેક મોકલવાનો રહેશે, પોતાની PNR વિગતો તથા સર્ટિફિકેટ ઓફ ઈન્શ્યુરન્સ (COI) નંબર પણ મોકલવાનો રહેશે.