નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા કોરોના વાઈરસ લોકડાઉન વચ્ચે ભારતીય રેલવેએ 15 જેટલા રૂટ પર 30 ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ 30 ટ્રેનોને તબક્કાવાર શરુ કરવામાં આવશે જે હેઠળ આજે 12મેના રોજ 8 ટ્રેનો શરુ કરવામાં આવશે. તેના માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનોનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. રેલવેના ટાઈમ ટેબલ અનુસાર 15 ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ થશે જ્યારે 15 અન્ય શહેરોએથી નવી દિલ્હી માટે રવાના થશે.
મહત્ત્વનું છે કે, રેલવે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર આજે સાંજે ચાર વાગ્યાથી શરુ થવાનું હતું પરંતુ વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. બાદમાં 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું.
માત્ર આઇઆરસીટીસીની સાઇટ પરથી જ આ ટ્રેનો માટેની ટિકિટ બુક કરાવી શકાશે. કાઉન્ટર પરથી ટિકિટ મળશે નહીં. ટિકિટ કાઉન્ટર્સ બંધ જ રહેશે. જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં એન્ટ્રી મળશે અને એ પૅસેન્જરોએ પણ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. દરેક પૅસેન્જરનું સ્ક્રીનિંગ થશે અને જે સ્વસ્થ જણાશે તેમને જ પ્રવાસની પરવાનગી અપાશે.
12 મેથી શરુ થનારી ટ્રેનનું લિસ્ટ
|
આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, દિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી માટે દોડાવાશે. અમુક ટ્રેનોને બાદ કરતા લગભગ દરેક ટ્રેન દરરોજ દોડશે.
આજે પહેલા જ દિવસે મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી માટે ટ્રેન દોડાવાશે અને 13મીએ નવી દિલ્હીથી ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ આવશે. આ ટ્રેન સેવા દૈનિક છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી બોરીવલી સુરત, વડોદરા, રતલામ, નાગદા અને કોટા સ્ટેશને ઊભી રહેશે. વળતી સફરમાં પણ આ જ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે.
એવી જ રીતે, આજે જ અમદાવાદથી ટ્રેન ઉપડશે અને 13મીએ નવી દિલ્હીથી ઉપડીને અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સેવા પણ દૈનિક છે. ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુડગાંવ, દિલ્હી કેન્ટોનમેન્ટ સ્ટેશનો પર ઊભી રહેશે.