મિશન ગગનયાન: અંતરિક્ષમાં શું ખાશે અવકાશયાત્રીઓ?

નવી દિલ્હી: ઈસરોના પહેલા માનવયુક્ત અંતરીક્ષ મિશન ગગનયાનમાં સામેલ થનારા એસ્ટ્રોનોટ (અંતરિક્ષ યાત્રી)ને અવકાશમાં ઘરનું ખાવાનું મળશે. ભારતીય એસ્ટ્રોનોટ માટે ભોજનનું મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનૂમાં ઈડલી, મગની દાળનો હલવો, એગ રોલ્સ અને વેજીટેબલ પુલાવ સામેલ છે.

એટલું જ નહીં અંતરિક્ષયાત્રિઓને ભોજન ગરમ કરવા માટે ફૂડ હીટર્સ પણ આપવામાં આવશે. સાથે જ પીવાનું પાણી અને જ્યૂસ પણ સાથે આપવામાં આવશે. જો કે, અવકાશમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જતું હોય છે તેથી ગગનયાનમાં વાપરવા માટે ખાસ પ્રકારના વાસણો પણ બનાવવામાં આવ્યા છે જેમાં અવકાશ યાત્રીઓની ખાવા-પિવાની વસ્તુઓ મુકવામાં આવશે.

મહત્વનું છે કે, અંતરિક્ષ યાત્રિઓ તેની સાથે લઈ જશે એ ભોજન હેલ્ધી અને એક વર્ષ સુધી ચાલી શકે તેટલું હશે. પણ એક વખત ફૂડ પેકેટ ખોલ્યા પછી તેને 24 કલાકની અંદર-અંદર ખત્મ કરવું પડશે. અડધુ ભોજન ખાધા પછી તેને સ્ટોર નહીં કરી શકાય.

મેનૂની તપાસ આઈએએફના ચાર તાલીમ લઈ રહેલા અંતરિક્ષ યાત્રિઓ પર કરવામાં આવશે. આ પ્રયોગ પછી ભોજનમાં ફેરફાર પણ થઈ શકે છે. અંતરિક્ષયાત્રીઓ નાસ્તો પણ આરોગી શકશે તેના માટે અનાનસ અને જેકફ્રૂટ પણ આપવામાં આવશે. કારણકે, નાસ્તા માટે આ સૌથી સ્વસ્થ વિકલ્પ છે.

ડીએફઆરએલના નિર્દેશક ડૉ. અનિલ દત્ત સોમવાલે જણાવ્યું કે, ખાવાની બધી જ વસ્તુઓ અંતરિક્ષ યાત્રીઓ ચાખશે. કારણકે તેમની પસંદગીના આધારે નક્કી થશે કે, તેમને તે કેટલાં ભાવે છે. ઈસરોની એક તપાસ ટીમ તેની તપાસ કરશે.એસ્ટ્રોનોટ માટે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવ્યાં છે. તેને ગરમ કરીને ખાઇ શકશે. સોમવાલે વધુમાં જણાવ્યું કે, સાથે ખોરાક ગરમ કરવા માટેનું ઉપકરણ પણ આપવામાં આવશે, જેના દ્વારા 92 વૉટ વિજળીથી ભોજનને ગરમ કરી શકાય છે. આ ઉપકરણ 70 થી 75 ડિગ્રી સુધી ભોજન ગરમ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મિશન ગગનયાનથી અવકાશ યાત્રા પર જનારા ચાર ભારતીય ટ્રેનિંગ લેવા માટે ટૂંક જ સમયમાં રશિયા જવાના છે. ટ્રેનિંગ માટે વાયુસેનાના પાયલટ્સને પસંદ કરવામાં આવ્યા છે.