ડભોઈના આ ખેતરમાં ઉગાડાય છે 542 પ્રકારની ડાંગર

વડોદરા: શહેર-જિલ્લાના નિવાસીઓ ડભોઇના નામથી સુપેરે પરિચિત હોય એ સ્વાભાવિક છે. પ્રાચીન દર્ભાવતી નગરી એટલે કે આજનું ડભોઇ ક્યારેક ઘર ઉપયોગની તિજોરીઓ બનાવવાના ગૃહ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું હતું અને કદાચ હજુ પણ છે.પરંતુ મોટા ભાગના લોકોને કદાચ ખબર નહીં હોય કે ડભોઇની બોડેલી રોડ તરફની ભાગોળે એક ૮૦ વીઘા જમીનમાં પથરાયેલું વિશાળ સરકારી ખેતર આવેલું છે અને એના થી આગળ વધીએ તો ડાંગર સંશોધન કેન્દ્ર તરીકે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના છત્ર હેઠળ હાલમાં કાર્યરત આ ખેતરમાં ચોમાસામાં દેશના વિવિધ પ્રદેશોમાં જેની ખેતી થાય છે એવી 542 વેરાયટીસ એટલે કે જાતોની ડાંગર નાના-નાના ક્યારાઓમાં ઉછેરી ગુજરાતમાં તેના પાકની સાનુકૂળતાની ચકાસણી કરવામાં આવે છે એ વાતની તો ભાગ્યેજ કોઈને ખબર હશે.

આ કેન્દ્ર પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ મહારાજની ઉત્તમ અને પહેલરૂપ ભેટો પૈકીની એક ખેડૂત મિત્ર ભેટ છે. તેમણે રાજ્યની રૈયત સુધારેલી ખેતી કરે અને ખેતી આર્થિક ઉન્નતિનું માધ્યમ બને એવા ઉમદા હેતુઓ સાથે ખેતી શાળાઓ એટલે કે મોડેલ ફાર્મસની સ્થાપના કરી હતી. વર્તમાન કૃષિ વિશ્વવિદ્યાલયની પૂર્વજ ગણાય એવી એક ખેતી શાળા આજે પણ વડોદરાના ગેંડા સર્કલ પાસે ખૂબ વિશાળ જગ્યામાં કાર્યરત છે અને આધુનિક ખેતીનું માર્ગદર્શન આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયની દેખરેખ હેઠળ આપે છે.

ડાંગર સંશોધન કેન્દ્ર ડભોઇમાં જ કેમ?

ડભોઇની આસપાસ ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. કદાચ મહારાજા સાહેબે આ ડાંગરની ખેતીને પીઠબળ આપવા જ ૧૧૦ વર્ષ પહેલા ડભોઇ નજીક વિશાળ વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. એની સિંચાઇનો લાભ આજે પણ મળી રહ્યો છે. એની જ એક કડીરૂપે એમણે આ પ્રાયોગિક ખેતર એટલે કે મોડેલ ફાર્મની અહીં સ્થાપના કરી હતી કે જેથી ખેડૂતો ડાંગરની ઉન્નત ખેતી કરી શકે.

આજે લગભગ ૮૫ વર્ષથી કાર્યરત આ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ડાંગર અને મગની સુધારેલી જાતો વિકસાવવાની અગત્યની કામગીરી સાથે ખેડૂત જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કૃષિ વિશ્વવિદ્યાલયો અને દેશના અન્ય ડાંગર સંશોધન કેન્દ્રોના માર્ગદર્શન અને રાજ્ય સરકારના ખેતી વિભાગના પીઠબળથી થઈ રહી છે.

આજે નર્મદા યોજનાનું પાણી મળતું થયું છે અને પાણીની મુખ્ય ચિંતા ટળી છે ત્યારે ખેડૂતો ખેતીમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે, ઓછા અને જરૂરી પાણીથી રોગ જીવાતમુક્ત ખેતી કરે એની જાગૃત્તિ લાવવા હવે સરદાર સરોવર નર્મદા નિગમ આ કેન્દ્રની કામગીરીમાં સહભાગી બન્યું છે. એની જાણકારી આપતા આ કેન્દ્રના સુકાની અને મદદનીશ સંશોધન વિજ્ઞાની ડો.રામજીભાઈ ચોટલીયા એ જણાવ્યું કે નિગમની આ સુવિધા હેઠળ આ વિસ્તારના ખેડૂતોને ડાંગર, ઘંઉ અને ચણા જેવા પાકોના નિદર્શન પ્લોટ વિનામૂલ્યે ફાળવીને સુધારેલી ખેતીની તાલીમ આપવામાં આવે છે.

રાજય સરકારના કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં કેન્દ્ર સહયોગ આપે છે અને ખેડૂતોની જમીનોના નમૂના મેળવી એનું પૃથક્કરણ કરાવી સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બને છે.

આટલા બધા પ્રકારની ડાંગરનો ઉછેર શા માટે?

કેન્દ્રનો મુખ્ય હેતુ સંશોધન કરીને ડાંગરની સુધારેલી જાતો વિકસાવવાનો છે. એટલે નાની-નાની ક્યારીઓમાં દેશના વિવિધ પ્રદેશોની ડાંગરની જાતો ઉછેરી અમે ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરની સાનુકૂળતા, ફૂટ, છોડની ઊંચાઈ, રોગ પ્રતિકાર કરવાની શક્તિ, કંટીની સંખ્યા અને દાણાનું પ્રમાણ, પાકવાનો સમયગાળો જેવી બાબતોમાં સુક્ષ્મ નિરીક્ષણ કરીએ છે. તેની સરખામણી ગુજરાતની પ્રચલિત જાતો સાથે કરી ફાયદાકારક જાતોના વાવેતરની ભલામણ કરીએ છે અને લાભપ્રદ જણાય એવી જાતોનું બિયારણ તૈયાર કરવામાં આવે છે.

આ કેન્દ્ર ખાતે ડાંગરની જી.એ.આર.૧૩ (ગુજરાત આણંદ રાઈસ ૧૩) નામની જાત વિકસાવવામાં આવી છે જે ખેડૂતોમાં લોકપ્રિય બની છે અને એનું પ્રમાણિત બિયારણ મેળવવા માત્ર ગુજરાતના નહી પણ પાડોશી મધ્યપ્રદેશના ખેડૂતો પણ આગોતરી નામ નોંધણી કરાવે છે. એની જાણકારી આપતાં ડૉ. ચોટલિયા એ જણાવ્યું કે, આ જાત હેકટરે ૬ થી ૮ હજાર કિલોગ્રામ ડાંગર આપે છે. જ્યારે પરંપરાગત જાતની ડાંગર ૩ થી ૪ હજાર કિલોનું ઉત્પાદન આપે છે. આ નવી જાત પ્રમાણમાં વહેલી પાકે છે અને રોગ જીવાત સામે વધુ સક્ષમ પ્રતિકાર શક્તિ ધરાવે છે. ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ સારો અને ગુણવત્તા વાળો પાક મળે છે. જી.એ.આર ૧૩ની બીજી એક ખાસિયત એનો ખડતલ છોડ છે. આ છોડ વેગીલા પવનોનો મુકાબલો કરવાની વધુ તાકાત ધરાવે છે અને એના છોડવા તોફાની પવનો ફૂંકાતા પડી જતા નથી જે એની આગવી વિશેષતા છે.

ડાંગર સંશોધન કેન્દ્રમાં આ રીતે સુધારેલા બિયારણો જહેમતપૂર્વક ઉછેરી, નહી નફો નહી નુકશાનના ધોરણો ખેડૂતોને તેનું વેચાણ કરે છે. ગયા વર્ષે આ કેન્દ્ર ખાતે ૮૫૪.૪૬ ક્વિન્ટલ જેટલું આ જાતનું બિયારણ બનાવવામાં આવ્યું જેના વેચાણ થી રૂ.૨૮ લાખની આવક થઇ છે. હમણાં જ પૂરા થયેલા ચોમાસાની ખરીફ મોસમમાં નવું બિયારણ ઉછેરીને ગોદામમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉનાળામાં એનું ગ્રેડીંગ કરી આગોતરી નોંધણી અને માંગ પ્રમાણે પારદર્શક રીતે ખેડૂતોને એનું વેચાણ કરવામાં આવશે.

એક જાતના સંશોધન માટે કેટલો સમય લાગે?

આ મામલે ડો. ચોટલીયા એ જણાવ્યું કે, આ ખૂબ ધીરજ, સંયમ અને સમય માંગી લેતું કામ છે. પાક, પાણીની વિવિધ પદ્ધતિઓ હેઠળ સઘન પરીક્ષણ કરવું પડે, કૃષિ સંસ્થાઓ, પ્રયોગશીલ ખેડૂતોના નિરીક્ષણો મેળવવા પડે, વાતાવરણીય અનુકુળતાઓ ચકાસવી પડે. આ બધા કામો ખૂબ સમય, સતર્કતા અને વૈજ્ઞાનિક જાણકારીનો વિનિયોગ માંગી લે છે. એટલે એક નવી જાત વિકસાવતા ૮ થી ૧૦ વર્ષની ધીરજ જરૂરી બને છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય એ ગયા વર્ષે જ ડાંગરની જી.એ.આર.૧૪ (ગુજરાત આણંદ રાઈસ ૧૪) નામક સુગંધિત વરાયટી વિકસાવી છે, જેના સંશોધનમાં આ કેન્દ્રનું યોગદાન રહ્યું છે. એક મહીસાગર નામની જાત વિકસાવી છે જેને સારો પ્રતિસાદ ખેડૂતોએ આપ્યો છે અને તેના ચોખા ઈડલી, ઢોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવવા માટે વધુ સાનુકૂળ જણાણવામાં આવ્યા છે.

આ કેન્દ્ર દ્વારા મગની સુધારેલી જાતોની ખેડૂતોને ભેટ આપવામાં આવી છે. જીએમ 5 નામક મગની ઉનાળું જાતના નિદર્શન પ્લોટ નાના અને સીમાંત ખેડૂતો ને ફાળવવામાં આવે છે. હૈદરાબાદ ખાતે દેશનું મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર આવેલું છે. એના દ્વારા પણ ડભોઇના આ કેન્દ્રને દર વર્ષે જુદાં-જુદાં એક્સપેરીમેન્ટ્સ સોંપવામાં આવે છે અને નવાગામ ખાતે આવેલા ગુજરાતના મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર સાથે સંકલન સાધી આ કેન્દ્ર કાર્યરત છે જેની નોંધ લેવી ઘટે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, એમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સયાજીરાવના સુશાસનના સિદ્ધાંતોને માર્ગદર્શક તરીકે અપનાવી ખેતી સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા કર્યા અને અનોખા કૃષિ મહોત્સવની ભેટ આપી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારે ઉન્નત ખેતી દ્વારા કિસાનોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યની સિદ્ધિમાં ડભોઇનું ડાંગર સંશોધન કેન્દ્ર નિષ્ઠાપૂર્વક નવા પ્રયોગો દ્વારા યોગદાન આપી રહ્યું છે. ખેતીની દીવાદાંડી જેવી આ પ્રકારની સંસ્થાઓની નિપુણતાનો ખેડૂતો વધુ લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.

આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સાહિત્ય પણ બનાવવામાં આવે છે જે ખેડુતોને ખૂબ ઉપયોગી બને છે. ડાંગર સહિતની ખેતી કરતા ખેડુતોને માર્ગદર્શક બની રહે તેમ છે. માર્ગદર્શક પુસ્તિકાઓ અને પત્રિકાઓને કૃષિલક્ષી શિબિર અને તાલીમમાં વિતરણ પણ કરવામાં આવે છે. આ સિવાય પણ ખેડુતોને તે વિનામૂલ્યે મળી રહે છે, જે ખેડુતો ઇચ્છે તે ડાંગર સંશોધન કેન્દ્રમાંથી તે મેળવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]