નૂંહઃ શહેરમાં હિંસા અને રમખાણો જેવો માહોલ છે. વહીવટી તંત્રને પૂરા વિસ્તારમાં ફરફ્યુ લગાવી દીધો છે. આ વિસ્તારમાં આઠ ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સર્વિસિઝ અને SMS પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ નૂંહમાં અનેક ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કર્યાં છે. એમાંથી કેટલાંક બાંધકામો હિંસામાં સામેલ લોકોનાં પણ હતાં.
નૂંહ વહીવટી તંત્રએ અતિક્રમણની વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશના ચોથા દિવસે સહારા હોટેલ પર પણ બુલડોઝર ચલાવવામાં આવશે. મેડિકલ સ્ટોર સહિત એક ડઝન દુકાનો તોડવામાં આવી છે. શનિવારે હિંસા પ્રભાવિત નૂંહથી 20 કિલોમીટર દૂર તાવડુમાં રહેતા પ્રવાસીઓની ઝૂંપડીઓ સરકારી જમીન પર અતિક્રમણ કરવાના આરોપમાં તોડી કાઢવામાં આવી હતી.
હરિયાણાના નૂંહમાં ફેલાયલી અરાજકતાને મામલે પોલીસે અત્યાર સુધી 200થી વધુ લોકોની ધરપકડ કરી છે. એ સિવાય પોલીસે સાવધાની રૂપે 80 લોકોની અટકાયત પણ કરી છે અને 104 FIR પણ નોંધવામાં આવી છે. એ હિંસા એ સમયે ભડકી હતી, જ્યારે 31 જુલાઈએ ધાર્મિક શોભાયાત્રા પર ભીડે હુમલો કર્યો હતો. નૂંહ સ્થિતિ સામાન્ય કરવા માટે વહીવટી તંત્ર પગલાં લઈ રહ્યું છે.
નૂંહના પોલીસ કમિશનરે કહ્યું હતું કે તોફાનીઓને કોઈ કિંમતે છોડવામાં નહીં આવે. પોલીસે શાંતિ બહાલ કરવા માટે જિલ્લામાં ફલેગ માર્ચ કાઢી હતી. એ સિવાય જિલ્લામાં તોફાનવિરોધી યુનિટને પણ તહેનાત કરવામાં આવ્યું છે. જિલ્લાધિકારીએ કહ્યું હતું કે શનિવારે બપોરે 12થી ત્રણ કલાક સુધી કરફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.
.