કેન્સરની નકલી દવા બનાવતી આંતરરાષ્ટ્રીય ગેન્ગ ઝડપાઈઃ સાતની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં નકલી દવા બનાવતી આંતરરાષ્ટ્રીય ગેન્ગના સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નકલી દવાઓ બનાવતી અને સપ્લાય કરતી એક આંતરરાષ્ટ્રીય ગેન્ગની ધરપકડ કરી છે, એમાં દિલ્હીની કેન્સર હોસ્પિટલની જાણીતી હોસ્પિટલના બે કર્મચારીઓ પણ સામેલ છે. બધી આરોપી કેન્સના રૂ. 1.96 લાખના ઇન્જેક્શનમાં નકલી દવાઓ ભરીને વેચતા હતા. કેન્સરની આ નકલી દવાઓને માત્ર દેશના ફાર્માસિસ્ટને ત્યાં જ નહીં, પણ ચીન અને અમેરિકા જેવા દેશોમાં પણ સપ્લાય કરતા હતા.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂ. 89 લાખની રોકડ, રૂ. 18,000ના ડોલર અને રૂ.ચાર કરોડની સાત આંતરરાષ્ટ્રીય અને બે ભારતીય બ્રાન્ડોની નકલી કેન્સની દવાઓ જપ્ત કરી છે. સ્પેશિયલ સીપી ક્રાઇમ બ્રાન્ચ શાલિની સિંહના જણાવ્યા મુજબ ત્રણ મહિનાની તપાસ પછી તેમની ટીમે આ ગેન્ગનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે દિલ્હી-NCRમાં 7-8 જગ્યાએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન DLF કેપિટલ ગ્રીન્સ, મોતીનગરના બે ફ્લેટમાં નકલી દવાઓ બનાવતા પકડવામાં આવી હતી.

અહીં વિફિલ જૈન નામના એક આરોપીએ દવા અને ઇન્જેક્શન લગાવવાનું યુનિટ લગાવ્યું હતું, વિફિલ જૈન આ દવા કૌભાંડનો મુખ્ય આરોપી છે. આ જગ્યાઓએ નકલી કેન્સરની દવાની શીશીઓને ફરીથી ભરવા અને બનાવવાનું કામ કરવામાં આવતું હતું. આ ફ્લેટ્સમાંથી ત્રણ કેપ સીલિંગ મશીન, એક હીટ મશીન અને 197 શીશીઓ જપ્ત કરી હતી. આ સાથે આ કૌભાંડમાં નીરજ ચૌહાણ તેના કઝીન ભાઈ તુષાર ચૌહાણ પાસેથી દવાને લગતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે, એમ પોલીસે કહ્યું હતું.