PFના 2.5-લાખથી વધુ વ્યાજ પર ટેક્સ લાગશે

નવી દિલ્હીઃ ટેક્સપેયર્સ વધુ કમાણી કરીને ટેક્સ બચાવવા માટે જે રીતોનો ઉપયોગ કરે છે, આ બજેટમાં તેમાંથી કેટલાકને ખતમ કર્યા છે. પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રિબ્યુશનથી કમાયેલું વ્યાજ જો રૂ. 2.5 લાખથી વધુ હશે તો એના પર સામાન્ય દરોએ ટેક્સ લાગશે. આ પગલાથી વધુ પગાર મેળવતા લોકોને નુકસાન છે, જે ટેક્સ-ફ્રી વ્યાજ કમાણી માટે વોલિન્ટરી પ્રોવિડન્ટ ફંડનો ઉપયોગ કરે છે.

આ જ રીતે યુલિપમાં જો ટેક્સપેયર્સ વર્ષમાં રૂ. 2.5 લાખથી વધુના પ્રીમિયમથી ચુકવણી કરો છો તો કલમ 10 (10-ડી) હેઠળ ઉપલબ્ધ ટેક્સછૂટ દૂર કરવામાં આવી છે. આ નિયમ હાલના યુલિપ પર લાગુ નહીં થાય. વળી, આ વર્ષે એક ફેબ્રુઆરી પછી વેચવામાં આવેલી પોલિસીઓ પર પણ લાગુ પડશે. સરકારે આ પહેલાં વર્ષ 2016ના બજેટમાં સરકારે ઈપીએફમાં જમા રકમના 60 ટકા વ્યાજ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ નવા ટેક્સ પર વ્યાપક સ્તરે વિરોધ થયા પછી સરકારે એને પરત લીધો હતો. વળી, આ વખતે પણ કદાચ પ્રસ્તાવના વિરોધનો સામનો નહીં કરવો પડે, કારણ કે આનાથી વધુ પગાર મેળવતા કર્મચારીઓની પર અસર પડશે.

રૂ. 2.5 લાખના વાર્ષિક મર્યાદાનો અર્થ છે કે કોઈ વ્યક્તિ પીએફમાં ટેક્સ બચત માટે પ્રતિ મહિને રૂ. 20,833નું કોન્ટ્રિબ્યુશન કરે છે, તો એના માટે વ્યક્તિની બેઝિક સેલરી રૂ. 1.73 લાખ હોવી જોઈએ. એક એપ્રિલથી લાગુ થઈ રહેલા નવા વેજ કોડમાં કહેવામાં આવ્યું છે કે બેઝિક સેલરી વ્યક્તિની કુલ આવકના કમસે કમ 50 ટકા હોવી જોઈએ.