નરમ પડી રહ્યું છે વાવાઝોડા ‘અસાની’નું જોર

ભૂવનેશ્વરઃ બંગાળના અખાતમાંથી ઉદ્દભવેલા ચક્રવાતી વાવાઝોડા ‘અસાની’ને કારણે સમુદ્રકાંઠો ધરાવતા અનેક રાજ્યોને વરસાદની ચેતવણી આપવામાં આવી છે, પરંતુ સારા સમાચાર એ છે કે આ વાવાઝોડું નબળું પડી ગયું છે. આવતા 24 કલાકમાં એ વધારે નબળું પડવાની હવામાનની આગાહી કરનાર એજન્સીઓનું કહેવું છે.

વાવાઝોડું ‘અસાની’ સતત નબળું પડી રહ્યું છે, પરંતુ તેની અસરને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સ્થિતિ આગામી અમુક દિવસો સુધી ચાલુ રહેવાની સંભાવના છે, એમ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે. આજે, મંગળવારે રાત સુધીમાં વાવાઝોડા ‘અસાની’ની તીવ્રતામાં વધારે ઘટાડો થવાની ધારણા છે. તે છતાં ઓડિશા તથા આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગના કાંઠાળ વિસ્તારો તથા બંગાળના કાંઠાળ વિસ્તારોમાં મંગળવારે સાંજથી વધારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં દરિયો તોફાની જ રહેશે તેથી માછીમારોએ ઓછામાં ઓછા બે દિવસ સુધી દરિયો ખેડવાનું સાહસ કરવું નહીં. આ રાજ્યોના કાંઠાળ વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓ પણ 13 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.