મોંઘવારીનો મારઃ LPG સિલન્ડરમાં રૂ. 25નો વધારો કરાયો

નવી દિલ્હીઃ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડર (સબસિડી વગરના LPG સિલિન્ડર્સ)ની કિંમતોમાં ફરી વધારો કર્યો છે. આ વખતે રાંધણ ગેસની કિંમતમાં રૂ. 25.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની સાથે હવે LPG ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર રૂ. 834.50 થઈ ગઈ છે. અત્યાર સુધી 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના દિલ્હીમાં રૂ. 809 હતા.

મુંબઈમાં સ્થાનિક LPG સિલિન્ડરના રૂ. 834.50, કોલકાતામાં લોકોએ રૂ. 835.50 અને ચેન્નઈમાં સિલિન્ડરદીઠ રૂ. 850.50 થયા છે. જ્યારે કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના રૂ. 84નો વધારો કરવામાં આવ્યો છે.

LPGમાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દેશભરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં ગયા વર્ષે નવેમ્બરથી સતત તેજી થઈ રહી છે. ભારત મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે અને કિંમતો બજાર આધારિત છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાના પરિણામસ્વરૂપ પેટ્રોલિયમ ઉત્પાદનોની ઘરેલુ કિંમતોમાં વધારો થાય છે. છેલ્લા છ મહિનામાં રાંધણ ગેસની કિંમતોમાં સિલિન્ડરદીઠ રૂ. 140નો વધારો થયો છે. LPGની કિંમતોમાં પહેલાં ચોથી ફેબ્રુઆરીએ સિલિન્ડરદીઠ રૂ. 25નો વધારો કરવામાં આવ્યો હતો, એ પછી 15 ફેબ્રુઆરીએ રૂ. 50 અને 25 ફેબ્રુઆરી અને એક માર્ચે રૂ. 25નો વધારો કરવામાં આવ્યો હતો. એક એપ્રિલે LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 125નો વધારો કરવામાં આવ્યા પછી રાજ્યની માલિકીની કંપનીઓએ રૂ. 10નો ઘટાડો કર્યો હતો.