ઈન્દિરા ગાંધીએ ધર્મના નામે ભારતના ભાગલા પાડનારાઓનો વિરોધ કર્યો હતોઃ સોનિયા

નવી દિલ્હી – ઈન્દિરા ગાંધી બિનસાંપ્રદાયિકતા માટે તેમજ ધર્મ તથા જાતિના આધારે ભારતના લોકોનાં ભાગલા પડાવવા માગતા તમામ પરિબળો સામે લડ્યાં હતાં, એવું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે અહીં જણાવ્યું હતું.

ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મતિથિની શતાબ્દી નિમિત્તે ઈન્દિરાનાં જીવન તેમજ સિદ્ધિઓ વિશે યોજવામાં આવેલું એક ફોટો એક્ઝિબિશન ‘અ લાઈફ ઓફ કરેજ’ સોનિયા ગાંધીએ નિહાળ્યું હતું અને એમાં સંબોધન પણ કર્યું હતું.

સોનિયાએ કહ્યું હતું કે મેં સાંભળ્યું હતું કે ઈન્દિરા ગાંધીને લોખંડી મહિલા તરીકે ઓળખવામાં આવતાં હતાં. પરંતુ એમનાં સ્વભાવમાં લોહ તો અનેક તત્વોમાંનું એક હતું. એમનામાં ઉદારતા તથા માનવતા પણ હતી.

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પુત્રી ઈન્દિરા ગાંધીનો જન્મ 1917ની 19 નવેમ્બરે થયો હતો.

ઈન્દિરા ગાંધી 1966ના જાન્યુઆરીથી 1977ના માર્ચ તથા જાન્યુઆરી 1980થી 1984ની 31 ઓક્ટોબરે એમની હત્યા કરાઈ હતી ત્યાં સુધી વડાપ્રધાન પદે હતાં.

સોનિયા ગાંધીએ રવિવારના કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી, જેઓ એમનાં સાસુ પણ હતાં, એમની સાથે પોતાનાં સંબંધોની યાદ પણ તાજી કરી હતી.

ઈન્દિરા ગાંધી અમારાં નાનકડા પરિવારનાં વડાં હતાં. અમે 16 વર્ષ સુધી એક જ પરિવારમાં સાથે સાથે રહ્યાં હતાં. મેં એ દરમિયાન દરેક સંજોગોમાં એમનાં દરેક પ્રકારનાં મૂડને ખૂબ નિકટથી જોયો હતો. તેઓ ભારત પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતાં અને ગરીબ લોકોની એમણે ખૂબ કાળજી લીધી હતી. એમણે એમનાં પિતાનાં આદર્શોનું પ્રામાણિકપણે અનુસરણ કર્યું હતું.

સવારે, સોનિયા ગાંધી, એમનાં પુત્ર અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  પ્રણવ મુખરજીએ ઈન્દિરા ગાંધીના સમાધીસ્થળ શક્તિ સ્થળ ખાતે જઈને દિવંગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.