નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ને લઈને લોકોને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું છે. પીએમ મોદીએ નરેન્દ્ર મોદી મોબાઈલ એપ્લીકેશન પર સંદેશ લખીને જણાવ્યું કે, આગામી 26 નવેમ્બરે તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ને લઈને દેશની જનતા તેમના વિચાર પીએમ મોદી સાથે શેર કરી શકે છે.
આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને પણ જણાવ્યું કે, દેશના લોકો 1800-11-7800 નંબર ડાયલ કરીને પણ મન કા બાત માટે પોતાનો સંદેશ રેકોર્ડ કરી શકે છે. આ સિવાય mygov ના ઓપન ફોરમમાં પણ તેમના વિચાર જણાવી શકે છે.
mygov વેબસાઈટ પર જણાવવામાં આવ્યું કે, હંમેશાની જેમ આ વખતે પણ પીએમ મોદી એ વિષયોને પ્રાધાન્ય આપશે જે જનતા માટે મહત્વના છે. સાથે જ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે, તેઓ પણ પોતાની સમસ્યા અને મુદ્દાઓથી પીએમને માહિતગાર કરે જેથી વડાપ્રધાન તે અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે.
વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાનો સંદેશ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં રેકોર્ડ કરાવી શકે છે. ઉપરાંત કેટલાક સંદેશાઓ જેનો સંબંધ સીધો દેશની જનતા સાથે હશે તેને કાર્યક્રમમાં પ્રસારિત પણ કરવામાં આવશે.