ભારતીય લશ્કરે સપાટો બોલાવ્યો; PoKમાં 7 આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો

નવી દિલ્હી – આજે બનેલા એક મોટા બનાવમાં, ભારતીય લશ્કરે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) માં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓ પર જોરદાર તોપમારો કર્યો હતો. આ વિસ્તાર તંગધાર સેક્ટરની સામે આવેલો છે.

ભારતીય લશ્કરના આ ઓપરેશનમાં પાકિસ્તાન તરફ મોટા પાયે ખુવારી થઈ છે અને નુકસાન પણ થયું છે.

અહેવાલો અનુસાર, ભારતીય લશ્કરે PoKના નીલમ ઘાટ વિસ્તારમાં આવેલા ત્રાસવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.

અહેવાલો અનુસાર ઓછામાં ઓછા સાત ત્રાસવાદી અડ્ડાનો નાશ કરી દેવાયો છે અને 22 જેટલા ત્રાસવાદીઓને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે, જેઓ જૈશ-એ-મોહમ્મદ તથા લશ્કર-એ-તૈબા સંગઠનના હતા. ભારતના હુમલામાં પાંચેક પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.

ભારતીય લશ્કર તરફથી આ અહેવાલોને સમર્થન અપાય તેની રાહ જોવાઈ રહી છે.

પાકિસ્તાન લશ્કરે યુદ્ધવિરામની શરતોનો ભંગ કરીને આજે વહેલી સવારે જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં કરેલા ગોળીબારમાં બે ભારતીય સૈનિક શહીદ થતા અને એક ભારતીય નાગરિકનું મૃત્યુ નિપજ્યા બાદ ભારત દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતીય લશ્કર સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનના કશ્મીરમાં ત્રાટકીને મોટા પાયે નુકસાન કર્યું છે.