દંતકથા સમાન હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે વિષે દિલ્હીમાં હાસ્યસભા યોજાઈ

નવી દિલ્હી – સુપ્રસિદ્ધ ગુજરાતી હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેના ૧૧૯મા જન્મદિવસ અવસરે દિલ્હીમાં એક હાસ્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજધાનીમાં રહેતા ગુજરાતી સાહિત્ય-કલા-સંસ્કૃતિ રુચીકોના એક જૂથે શહેરના શાહ ઓડિટોરિયમ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ૧૯ ઓક્ટોબરના શનિવારે ‘હસવામાં ન ખસવું’ શીર્ષકથી કાર્યક્રમ યોજ્યો હતો.

કાર્યક્રમમાં જ્યોતીન્દ્ર દવેના વિવિધ હાસ્યલેખોનું પઠન અને અભિનય શૈલીમાં રજૂઆત કરાઈ હતી. પ્રારંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ના ઉદઘાટન પ્રસંગે જ્યોતીન્દ્ર દવેને યાદ કરેલો વિડિઓ દર્શાવવામાં આવ્યો હતો.

જ્યોતીન્દ્ર દવેના લેખ ‘મહાભારત એક દ્રષ્ટિ’નો વિડિઓ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કૃશકાય જ્યોતીન્દ્ર દવેને વડીલોએ વજન વધારવાની સલાહ આપેલી એના વિપરીત કલાકાર હિતેશ અંબાણીએ પોતાનું વજન ઉતારવાના નિરર્થક પ્રયાસોની રજૂઆત કરી હાસ્ય નિષ્પન્ન કર્યું હતું.

સાહિત્યપ્રેમી કલાકાર રાજીવ મહેતાએ પત્ની સાથે ભાષા અંગેના રમૂજી પ્રસંગો વર્ણવ્યા હતા અને નાટ્ય કલાકાર તથા ફિલાટેલી શોખીન અરવિંદ રાય શાહે તેમના વેવિશાળ પહેલાં ભાવિ પત્ની સાથે પત્રવહેવાર અને દામ્પત્યના રમૂજી પ્રસંગો વર્ણવી સૌને હસાવ્યા હતા.

મલયાલમ અખબાર ‘માતૃભૂમિ’નાં રિજિયોનલ મેનેજર મીતા સંઘવીએ જ્યોતીન્દ્ર દવેના ‘બુદ્ધિની કસોટી’ લેખનું સાભિનય શૈલીમાં પઠન કર્યું હતું.

આકાશવાણીના ભૂતપૂર્વ ગુજરાતી સમાચાર પ્રસ્તોતા દિપક ધોળકિયાએ સભાના અધ્યક્ષસ્થાનેથી જ્યોતીન્દ્ર દવેની લેખન વિશિષ્ટતા અને વૈવિધ્યતાની લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

દિલ્હી મેટ્રોમાં સેવા બજાવતા વિજય પંચાલે જ્યોતીન્દ્ર દવેના વેશમાં પ્રગટ થઈને કૌતુક અને રમૂજ સાથે આત્મપરિચયની રજૂઆત કરી હતી.

આ પ્રસંગે સમાજસેવક પ્રફુલ જોશી, પોરબંદરથી દિલ્હી સાયકલયાત્રીક લિરિલચંદ્ર પટેલ, નાટયલેખિકા ચાંદની બાવીશી વગેરે હાજર રહ્યા હતા. અભિનેત્રી રાખી રાંકાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. દિલ્હીમાં ગુજરાતી સાહિત્ય-કલા પ્રવૃત્તિઓ પ્રોત્સાહક ભાગ્યેન્દ્ર પટેલ અને રાજેશ પટેલે આ કાર્યક્રમનું સંયોજન કર્યું હતું.